Site icon Revoi.in

GTU સંલગ્ન કોલેજોમાં હવે એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ગુજરાતીમાં પણ ભણાવાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં જીટીયુ સંલગ્ન કોલેજોમાં  એન્જિનિયરિંગની કોલેજોમાં હવે ગુજરાતીમાં પણ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. દેશમાં ઇજનેરી અભ્યાસક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં શરુ કરવાનો નિર્ણય બાદ નવા શૈક્ષણિક વર્ષથી ગુજરાતમાં ગુજરાતી ભાષામાં એન્જીનીયરીંગ અભ્યાસક્રમ શરુ કરી દેવાની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ તૈયારીઓ કરી લીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઓલ ઇન્ડીયા કાઉન્સીલ ફોર ટેકનીકલ એજ્યુકેશન દ્વારા માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં જ ઇજનેરી અભ્યાસક્રમની છૂટ આપ્યા બાદ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ ચાલુ વર્ષથી ગુજરાતીમાં એન્જિનિયરિંગ ભણાવવાનું નક્કી કર્યું છે. ગુજરાતી મીડીયમમાં ભણેલા વિદ્યાર્થીઓને આગળનો અભ્યાસક્રમ પણ માતૃભાષામાં ભણાવવામાં આવે તો શિક્ષણમાં સરળતા રહેતી હોવાનું ધ્યાને આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી ગુજરાતીમાં ભણ્યા બાદ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં અંગ્રેજીમાં ભણવું પડતું હોવાથી આવા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી. જીટીયુના અધિકારીઓએ કહ્યું કે સિવિલ અને મીકેનીકલ એન્જીનીયરીંગમાં 2022-23ના ચાલુ વર્ષથી જ ગુજરાતી અભ્યાસક્રમ ચાલુ કરી દેવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મહેસાણામાં બંન્ને અભ્યાસક્રમની 30-30 બેઠકો ગુજરાતીમાં ઉપલબ્ધ બનશે. અભ્યાસની સામગ્રી, ભણતર તથા પરીક્ષા ગુજરાતીમાં લેવાશે. દેશના 8 રાજ્યોએ માતૃભાષામાં એન્જિનિયરિંગ અભ્યાસક્રમ શરુ કરવાની પહેલ કરી છે. ગુજરાતમાં કોઇ કોલેજો આગળ નહીં આવતા ખુદ જીટીયુએ પહેલ કરી છે. વર્તમાન અભ્યાસક્રમનો ગુજરાતીમાં અનુવાદ કરવાની પ્રક્રિયા અગાઉ જ શરુ કરી દેવામાં આવી હતી. નિષ્ણાંત શિક્ષકોએ ગુજરાતીમાં પુસ્તકો તૈયાર કર્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતીમાં એન્જિનિયરિંગ કોર્સ શરુ થતા પૂર્વે જીટીયુ દ્વારા બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો વગેરેની બેઠક યોજી હતી અને ગુજરાતીમાં અભ્યાસ કરેલા એન્જિનિયરોના ભાવિ વિશે અભિપ્રાયો મેળવ્યા હતા. ગુજરાતીમાં ભણેલા આવા એન્જિનીયરોની સ્વીકૃતિ થાય છે કે કેમ તે વિશે પણ પૂછાણ કર્યું હતું. બિલ્ડરોએ એવો સૂર દર્શાવ્યો હતો કે એન્જિનીયરોએ ઓછુ ભણેલા અથવા અલ્પશિક્ષિત મજૂરો સાથે જ કામ કરવાનું હોય છે એટલે તેઓ ગુજરાતીમાં ભણેલા હોય તો વધુ સરળ રહે છે. તેનાથી કોઇ વિપરીત અસર થવાની નથી. નિષ્ણાંતોએ પણ તેમ કહ્યું કે ગુજરાતીમાં ભણતરથી વિદ્યાર્થીઓ વધુ હોશિયાર થઇ શકે છે પરિણામ પણ સારું આવી શકે છે. કામદારો, કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો વચ્ચે સેતુરુપ બની શકે છે. અંગ્રેજીનું જ્ઞાન ખાસ કરીને ગુજરાતમાં તો બહુ ઓછુ ઉપયોગી નિવડે છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા તો ગુજરાતીમાં એન્જીનીયરીંગના અભ્યાસક્રમની પહેલ કરી દેવામાં આવી જ છે હવે ગુજરાત સરકાર સરકારી કોલેજોમાં ગુજરાતી અભ્યાસક્રમ દાખલ કરે છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે.