એન્જિનિયરિંગના ગુજરાતી ભાષાના કોર્ષને પ્રતિસાદ ન મળ્યો, માત્ર અંગ્રેજીને અપાતું પ્રાધ્યાન્ય
અમદાવાદઃ રાજ્યમાં એન્જિનિરિંગના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં શિક્ષણ મળી રહે તે હેતુથી ગુજરાતીમાં પાઠ્ય-પુસ્તકો તૈયાર કરીને અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા પ્રાયોગિક ધોરણે મહેસાણાની સરકારી ઈજનેરી કોલેજમાં ગુજરાતીમાં અભ્યાસક્રમ માટે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષામાં ઈજનેરીનો અભ્યાસક્રમ ભણવામાં કોઈ રસ હોય એવું લાગતું નથી. કારણ કે ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા નથી.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ અખિલ ભારતીય ટેક્નોલોજી શિક્ષા પરિષદ (AICTE)એ બે વર્ષ પહેલાં એન્જિનિયરિંગ અભ્યાસ ગુજરાતી સહિત અન્ય ભાષાઓમાં પણ થઈ શકશે તેવી મંજૂરી આપી હતી. ગુજરાતી, હિન્દી સાથે અન્ય સાત ભારતીય ભાષાઓમાં ઈજનેરી ભણાવવાની મંજૂરી આપવામાં આવી હતી જેમાં હિન્દી, બંગાળી, તામિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, મલયાલમ અને ગુજરાતી ભાષાને મંજૂરી મળી હતી. પરંતુ 10માંથી માત્ર 4 રાજ્યને બાદ કરતા મોટાભાગના રાજ્યોમાં જે-તે સ્થાનિક ભાષામાં એન્જિનિયરિંગ ભણવાનો નબળો પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતમાં પણ નબળો પ્રતિસાદ મળ્યો છે. કારણ કે વર્ષ 2022-23માં કુલ 120માંથી એક પણ સીટ ભરાઈ નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ ઈજનેરી શાખાઓમાં પોતાની માતૃભાષામાં વિદ્યાર્થીઓને ભણવામાં રસ નથી. AICTEના ડેટા મુજબ વર્ષ 2022-23માં આંધ્રપ્રદેશમાં તેલુગુ ભાષામાં ઈજનેરી ભણવા 120માંથી 105 સીટ ભરાઈ છે, તમિલનાડુમાં તમિલ ભાષામાં ભણવા 120માંથી 110 સીટ ભરાઈ છે, ઉત્તરપ્રદેશમાં હિન્દી ભાષામાં ઇજેનેરી ભણવા 240માંથી 228 સીટ ભરાઈ છે. જ્યારે ગુજરાત સહિત બાકીના રાજ્યોમાં સ્થિતિ નબળી હોવાના આંકડા દર્શાવે છે જેમાં વર્ષ 2022-23માં કર્ણાટકમાં કન્નડ ભાષામાં ઈજનેરી ભણવા 90માંથી એકપણ સીટ ન ભરાઈ, ઉત્તરાખંડમાં હિન્દી ભાષામાં ભણવા 180માંથી એકપણ સીટ ન ભરાઈ, ગુજરાતમાં ગુજરાતી ભાષામાં ઈજનેરી કરવા 120માંથી એકપણ સીટ ભરાઈ નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઈજનેરીનાં પુસ્તકો ગુજરાતીમાં છાપવા સરકારે 50 લાખ ફાળવ્યા હતા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા વ્યાવસાયિક અભ્યાસક્રમોનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા માટે માનદ વેતન આપવામાં આવે છે. આ માટે રાજ્ય સરકારે 2022ના વર્ષના બજેટમાં નવી બાબત હેઠળ ઇજનેરીના પુસ્તકોનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવા માટે રૂ.50 લાખની ફાળવણી પણ કરી હતી. જેની કામગીરી ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીને સોંપવામાં આવી હતી.