Site icon Revoi.in

ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

Social Share

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીએ, ઓસ્ટ્રેલિયા સામેની આગામી વ્હાઈટ બોલ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમમાં પસંદગી ન થતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. દસ વર્ષની લાંબી કારકિર્દી બાદ તેણે ઈંગ્લેન્ડની ટીમને અલવિદા કહ્યું. મોઈને કહ્યું કે, તેના માટે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે, જેથી યુવા ખેલાડીઓને ટીમમાં મહત્તમ તકો મળી શકે. ઓસ્ટ્રેલિયા સામે આગામી સફેદ બોલની શ્રેણી માટે, ઈંગ્લેન્ડની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી.

મોઈન અલીએ ડેઈલી મેઈલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હું 37 વર્ષનો છું અને આ મહિને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ માટે મારી પસંદગી કરવામાં આવી નથી. મેં ઈંગ્લેન્ડ માટે ઘણું ક્રિકેટ રમ્યું છે. હવે આવનારી પેઢીને તક આપવાનો સમય આવી ગયો છે, જેના વિશે મને પણ કહેવામાં આવ્યું હતું. મને લાગ્યું કે આ જ યોગ્ય સમય છે. મેં મારું કામ કર્યું છે.

સ્ટાર ઓલરાઉન્ડર મોઈને 2014માં વેસ્ટ ઈન્ડિઝ સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ માટે 68 ટેસ્ટ, 138 વન-ડે અને 92 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે ત્રણેય ફોર્મેટમાં 6678 રન બનાવ્યા હતા. જેમાં 8 સદી અને 28 અડધી સદી સામેલ છે. તેણે 366 વિકેટ પણ લીધી હતી. મોઈન ઈંગ્લેન્ડની ટીમનો ભાગ રહ્યો છે જેણે 2019માં વન-ડે વર્લ્ડ કપ અને 2022માં ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. મોઈન અલીએ 2014 થી 2024 દરમિયાન 298 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો હતો.