લંડનઃ ઇંગ્લેન્ડે વર્લ્ડકપની ઓપનિંગ મેચમાં દક્ષિણ આફ્રિકાને 104 રને હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર આરંભ કર્યો છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 311 રન કર્યા હતા. 312 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 39.5 ઓવરમાં 207 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ઇંગ્લેન્ડ ઘરઆંગણે વર્લ્ડકપની પ્રથમ મેચમાં અજય રહી છે. 89 રન, 2 વિકેટ અને 1 અદભુત કેચ બદલ બેન સ્ટોક્સ મેન ઓફ ધ મેચ બન્યો હતો.
વર્લ્ડકપની ઓપનિંગ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટ્ન ફાફ ડુ પ્લેસીસે ધ ઓવલ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. પ્રથમ બેટિંગમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવી 311 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે શરૂઆત ખરાબ રહી હતી. જોની બેરસ્ટો શૂન્ય રને પ્રથમ ઓવરમાં ઇમરાન તાહિરનો શિકાર બન્યો હતો. તે પછી જેસન રોય અને જો રૂટે બીજી વિકેટ માટે 106 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. જોકે રોય અને રૂટ બંને 4 રનના ગાળામાં આઉટ થઇ જતા દક્ષિણ આફ્રિકા ફરી એક વાર હાવી થશે તેમ જણાતું હતું. જોકે તે પછી ઓઇન મોર્ગન અને બેન સ્ટોક્સે 106 રનની ભાગીદારી કરી ટીમને સંભાળી હતી. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 89 રન, ઓઇન મોર્ગને 57 રન, જેસન રોયે 54 રન અને જો રૂટે 51 રન કર્યા હતા. પ્રથમવાર જ વર્લ્ડકપની એક જ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડના 4 બેટ્સમેને ફિફટી ફટકારી છે. દક્ષિણ આફ્રિકા માટે લૂંગી ગીડીએ 3 વિકેટ, કગીસો રબાડા અને ઇમરાન તાહિરે 2-2 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડે આપેલા 312 રનના ટાર્ગેટને પીછો કરવા મેદાનમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 39.5 ઓવરમાં 207 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. કવિન્ટન ડી કોક અને વેન દુસેન સિવાય દક્ષિણ આફ્રિકાનો અન્ય કોઈ બેટ્સમેન રિધમમાં જણાતો ન હતો. ડી કોકે 68 અને દુસેને 50 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ માટે જોફરા આર્ચરે 3 વિકેટ, જયારે લિયમ પ્લન્કેટ અને બેન સ્ટોક્સે 2-2 વિકેટ ઝડપી હતી. આમ દક્ષિણ આફ્રિકાની વિશ્વકપની પ્રથમ મેચમાં 104 રને પરાજય થયો હતો. આમ મોટી ટુર્નામેન્ટના ઓપનિંગ મુકાબલામાં જ ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. અગાઉ 1975, 1979, 1983 અને 1999 ઇંગ્લેન્ડે ઓપનિંગ મુકાબલામાં જીત જ મેળવી છે.