અમદાવાદઃ દેશભરમાં આગામી નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નિતીનો અમલ શરી થઈ જશે. નવી સિક્ષણ નિતી મુજબ માત્ર યુનિ. સંલગ્ન કોલેજોમાં જ નહીં પણ યુનિ.કેમ્પસમાં પણ કેટલાક કોર્ષ ભણાવવા પડશે. તેના લીધે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) કેમ્પસમાં નવા શૈક્ષણિક સત્ર જૂન 2023-24થી અંગ્રેજી માધ્યમમાં ડિગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરૂ કરાશે. પ્રથમ તબક્કામાં જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં આવેલી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ભણાવાશે. કમ્પ્યુટર એન્જિનિયરિંગની કુલ 60 બેઠક પરની પ્રવેશ કાર્યવાહી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) હાથ ધરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ જીટીયુની એકેડેમિક કાઉન્સિલ (એસી)ની બેઠકમાં આ શૈક્ષણિક બાબતોની સર્વાનુમતે મંજૂરી લેવાઈ હતી. હવે આ સ્નાતક કક્ષાના ઇજનેરી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના કોર્સની પ્રવેશ કાર્યવાહીની આગામી દિવસોમાં જાહેરાત કરાશે. વિવિધ ટેકનિકલ કોર્સીસનું પ્રશિક્ષણ આપતી જીટીયુની 436માંથી 136 કોલેજ અંગ્રેજી માધ્યમની છે. સ્નાતક કક્ષાના વિવિધ કોર્સીસનું પ્રશિક્ષણ આપતી કોલેજોમાં વિવિધ ટેકનિકલ કોર્સીસની ત્રણથી ચાર બ્રાન્ચનું પ્રશિક્ષણ અપાય છે. હાલમાં જીટીયુની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટલેજિન્સ, ડેટા સાયન્સ, સાઇબર સિક્યોરિટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) સહિતના અનુસ્નાતક કક્ષાના કોર્સ ભણાવાય છે. પ્રત્યેક કોર્સમાં 30 બેઠકો છે. આ કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહી પણ એસીપીસીના માધ્યમથી કરવામાં આવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, નવી શિક્ષણ નીતી મુજબ કેમ્પસમાં ઓછામાં ઓછા 3 હજાર વિદ્યાર્થી વિવિધ કોર્સીસમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. હાલ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસી, ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ મેનેજેમેન્ટ, ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં વિવિધ કોર્સમાં વિદ્યાર્થીઓ ભણે છે, પણ આ સંખ્યામાં વધારો કરવા માટે ડિગ્રી ઇજનેરીનો અંગ્રેજી માધ્યમનો કોર્સ શરૂ કરાશે.