અમદાવાદઃ ગુજરાતી માતૃભાષા પર દરેક ગુજરાતીને પ્રેમ હોવા છતાં બાળકોના ભવિષ્ય માટે દરેક વાલી પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું પસંદ કરતા હોય છે. કારણે કે અંગ્રેજી હવે વૈશ્વિક ભાષા બની ગઈ છે. મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી માટે કે વિદેશમાં ભણવા માટે અંગ્રેજી જરૂરી છે. તેના લીધે જ હવે મોટાભાગના વાલીઓમાં પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એક તરફ ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપીને ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ગુજરાતી માધ્યમની જ સ્કૂલોને સંખ્યા ના મળતા અમદાવાદમાં 12 જેટલી સ્કૂલો બંધ કરવાનો વારો આવ્યો છે. અંગ્રેજી માધ્યમ તરફ આકર્ષણના કારણે ગુજરાતી માધ્યમમાં સંખ્યા ઘટી રહી છે. અમદાવાદમાં ગુજરાતી માધ્યમની 12 સ્કૂલો બંધ થવા જઈ રહી છે, જેને મંજૂરી આપી દેવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ચાલુ વર્ષે 12 ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ કરવા દરખાસ્ત આવી હતી, જેને મંજૂરી આપી દેવામાં આવી છે. વાલીઓની પણ સહમતી લેવામાં આવી હતી. મોટા ભાગના વાલીઓએ સહમતી આપી હતી. કોઇ પણ બાળક એડમિશન વિના ના રહે તેની પૂરી કાળજી રાખવામાં આવી રહી છે. અંગ્રેજી ભાષાના વધતા ક્રેઝના કારણે ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થઈ રહી હોય તેવું લાગે છે. અમદાવાદની 12 ખાનગી પ્રાથમિક સ્કૂલોએ બંધ કરવાની અરજી આપી હતી. જેમાં સ્કૂલોમાં પૂરતી સંખ્યા ના હોવાનું કારણ બતાવવામાં આવ્યું છે. 12 સ્કૂલોમાં મોટા ભાગની ગુજરાતી માધ્યમની સ્કૂલો છે, જે આ વર્ષમાં બંધ કરવા અરજી કરવામાં આવી હતી. આ સ્કૂલો અંગે હિયરિંગ રાખીને DEO દ્વારા વડી કચેરીને જાણ કરીને સ્કૂલો બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્કૂલમાં RTE હેઠળ ભણતા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં એડમિશન અપાવવા પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વાલીઓનો પોતાના બાળકને અંગ્રેજીમાં શિક્ષણ આપવા પાછળનો ઝૂકાવ વધારે છે, જેથી કરીને ગુજરાતી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. હાલનો યુગ અંગ્રેજીનો યુગ છે, તેમાં કોઈ બે મત નથી. પરંતુ સાથે સાથે માતૃભાષાને પણ એટલુ જ મહત્વ મળવું જોઈએ. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના લોકો માતૃભાષા ગુજરાતીને ગૌણ ગણી રહ્યાં છે. તે જ મુખ્ય કારણ છે કે અંગ્રેજી માધ્યમની શાળાઓના વધતા ક્રેઝની સામે ગુજરાતી શાળાઓના વળતા પાણી જોવા મળી રહ્યાં છે. ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઉત્તરોત્તર થઈ રહેલો ઘટાડો જ ગુજરાતી શાળાઓના મૃત્યુઘંટનો સંકેત આપી રહ્યાં છે.