(ડો. મહેશ ચૌહાણ)
આપણા રાષ્ટ્રજીવનના દરેક પાસાઓનું ઊંડાણપૂર્વક તલસ્પર્શી ગહન અધ્યયન કરી સમયાંતરે જેમને સમાજનું માર્ગદર્શન કરેલ એવા યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીને શત શત વંદન. તેઓશ્રીની જન્મજયંતિ નિમિત્તે એકાત્મતા પરના તેમના વિચારોનું સ્મરણ કરવું સુખદાયી બની રહેશે.
સૌ પ્રત્યે સમાન પ્રેમભાવ યુક્ત, જાતિ-વર્ણ કે પંથના ભેદભાવ રહિતના, વિવિધતામાં એકત્વનું દર્શન, સમાનતાના સંસ્કાર તેમને માતા ભુવનેશ્વરી દેવી દ્વારા બાલ્યકાળમાં પ્રાપ્ત થયેલ અને તેના પ્રકટીકરણ અને સાક્ષાત્કારની તેમણે કરેલ બાળ સહજ લીલા ઘણા પરિપેક્ષમાં આપણને વિચાર કરવા પ્રેરે છે. તેમના પિતાજી વિશ્વનાથ દત્ત વકીલ હતા, તેથી જુદી જુદી જ્ઞાતિ-સમુદાયના લોકો તેમને મળવા આવતા. તેમના ઘરમાં દરેક જ્ઞાતિના બંધુને તેમની જ્ઞાતિ અનુસાર અલગ-અલગ હુક્કા આપી સત્કારવાની વ્યવસ્થા હતી. તે વખતે નરેન્દ્રના મનમાં પ્રશ્નો ઉદ્ભવેલ કે એક જ્ઞાતિનો માણસ બીજી જ્ઞાતિના માણસનો હુક્કો કેમ નહી પીતો હોય? એમ કરવાથી શું આભ તૂટી પડે? પોતાની આ જીજ્ઞાસાને સંતોષવા માટે દરેક હુક્કો તેમને પીધો હતો અને અનુભૂતિ કરેલ કે અરે! મેં તો બધા જ હુક્કામાંથી દમ ખેંચી જોયો, પણ મારી ઉપર તો કાંઈ આભ ન તૂટી પડ્યું. બધાની જ અનુભૂતિ સમાન છે તો પછી અલગ હુક્કા રાખી શું પામતા હશે તે જ મને સમજાતું નથી!
ગુરુ રામકૃષ્ણદેવના સાનિધ્યમાં માતા દ્વારા મળેલ એકાત્મતાના સંસ્કાર આધ્યાત્મિક પંથે વેદાંતમાંથી તેમને આત્મસાત કર્યા. તેઓ કહે છે કે… “વસ્તુમાત્રને ઈશ્વરનું સ્વરૂપ માનીને પૂજન કરો – પ્રત્યેક રૂપ તેનું મંદિર છે. બાકીનું બધું જ ભ્રાંતિ જ છે. હંમેશા હૃદયની અંદર દ્રષ્ટિપાત કરો, બહાર નહિ. એવા જ ઈશ્વરનો, એવી જ પૂજાનો વેદાંત ઉપદેશ આપે છે.” અને તેઓ ઈચ્છા વ્યક્ત કરે છે કે…. “હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રદ્ધા છે એવા સર્વ જીવોની-સમષ્ટિરૂપ ઈશ્વરની હું પૂજા કરી શકું.”
સમાનતાના આચરણના અનેક પ્રસંગ સ્વામીજીના જીવનમાં જોવા મળે છે. એક પ્રસંગને યાદ કરીએ. સ્વામીજી ખેતડી જતાં એક ગામમાં રાત્રિ રોકાયા હતા. સમાજ જેને અસ્પૃશ્ય ગણતો હતો તેવો ચમારબંધુ, ભોજનથી વંચિત સ્વામીજીને કહે છે, શું આપ આ અસ્પૃશ્યના ઘરનું ભોજન ગ્રહણ કરેશો? સ્વામીજી કહે છે, “સંન્યાસી માટે અસ્પૃશ્યતા કેવી?” સ્વામીજી ભોજન કરે છે, ભોજન કરાવનાર અને કરનાર બંન્ને હર્ષ આનંદની અનુભૂતિ કરે છે. તેઓ આ પ્રસંગનું વર્ણન કરતાં કહેતા કે “ખુદ દેવરાજ ઈન્દ્ર સોનાના પાત્રમાં અમૃત લઈ આવ્યા હોત તો પણ એ રોટલા જેટલી મીઠાશ તેમાં આવત કે કેમ તે શંકા છે.” જ્યારે સ્વામી વિવેકાનંદજી વિશ્વ ધર્મ સંસદમાં હિન્દુત્વનો દિગ્વિજય કરી સ્વદેશ પુનરાગમન કરે છે ત્યારે ખેતડીમાં તેમનું ભવ્ય સ્વાગત થાય છે. સ્વામીજી વાહનમાં બેસી આગળ ચાલી રહ્યા હતા, ત્યાં ભીડમાંથી ‘અરે સ્વામીજી!’ આવો અવાજ સંભળાય છે. સ્વામીજી અવાજ તરફ જુએ છે અને તે ચમારબંધુને ઓળખી જાય છે. પોતાના વાહનને ઉભું રખાવી, નીચે ઉતરી તેમને ગળે લગાવે છે. બંને ચોધાર આંસુએ રડી પડે છે.
પરિવ્રાજક રૂપે ભારતમાં તીર્થાટન કરતાં સમાજમાં વ્યાપ્ત વિષમતાને જોઈ તેવો દુઃખી થઈ જાય છે અને કહે છે…..”આપણા ઉચ્ચ વર્ગના પૂર્વજોએ દેશના સામાન્ય લોકોને એટલી હદે પોતાના પગ તળે કચડતા ચાલ્યા કે આ સામાન્ય લોકો લાચાર બની ગયા; એ બિચારા દરિદ્ર લોકો યાતના ભોગવી ભોગવીને લગભગ ભૂલી ગયા કે અમે પણ માણસ છીએ. સૈકાઓ સુધી કેવળ લાકડાઓ કાપનારા કઠિયારા કે પાણી ખેંચનારા ભિસ્તીઓ તરીકે રહેવાની તેમના ઉપર ફરજ લાદવામાં આવી છે. અને તે એટલે સુધી કે તેઓ ઉપર એવી માન્યતા ઠોકી બેસાડવામાં આવી છે કે અમે તો ગુલામો, કઠિયારા કે ભિસ્તીઓ રહેવા માટે જ સર્જાયા છીએ.”
કેરળ પ્રાંતમાં વ્યાપ્ત વિષમતાની ક્રૂર સ્થિતિ જોઈ સ્વામીજી કેરળ પ્રાંતને તો પાગલખાના સુદ્ધા કહેતાં ખચકાયા નહોતા.
“શિવજ્ઞાનથી જીવસેવા”ના સનાતન મંત્રની સાથે અગ્રેસર થઈ સ્વામીજી સમાજમાં એકત્વના સિદ્ધાંતને સ્થાપિત કરવા, અજ્ઞાનતાના અંધકારમાં ડૂબેલા સમાજ બાંધવોને આધ્યાત્મિક અને વ્યવહારું જ્ઞાન દ્વારા, સત્વના બળે, પૂર્વજોએ આચરેલ સમભાવને જીવનમાં પ્રકટ કરવા પ્રેરિત કરતાં જણાવે છે કે….
- “જાતિ એક સામાજિક વ્યવસ્થા છે, ધાર્મિક નહીં. તે આપણી સમાજની પ્રાકૃતિક ઉત્ક્રાંતિનું પરિણામ છે. તેને એક સમયે આવશ્યક અને સુવિધાજનક માનવામાં આવી હતી. તેને પોતાના ઉદ્દેશ્યની પૂર્તિ કરી છે. તે હવે બેકાર છે. તેને સમાપ્ત કરી શકાય છે. હિન્દુ ધર્મને હવે જાતિ વ્યવસ્થાના સમર્થનની આવશ્યકતા નથી.
- જાતિવાદ તો માનો કે એક દ્રઢ મૂળિયાં નાંખેલી સામાજિક સંસ્થા બની ગઈ છે. પરંતુ હવે તેનું જીવન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે તે સંસ્થા માનો કે ભારતના વાતાવરણને દુર્ગંધથી ભરી રહી છે. લોકોની નાશ પામેલ સામાજિક સત્વ બુદ્ધિને પુનઃ જાગૃત કરીને જાતિવાદ દૂર કરી શકાય છે.
- “જાતિ-પ્રથા તો વેદાંત ધર્મની વિરુદ્ધ છે. જાતિ એક સામાજિક રૂઢિ છે અને આપણા બધા જ મહાન આચાર્ય તેને તોડવાનો પ્રયત્ન કરતા આવ્યા છે.”
- “આપણે સૌ એક જ પરમાત્માના રૂપ છીએ. આ પરમાત્માની પાસે અનંત કોટી બ્રહ્માંડ નિર્માણ કરવાની તાકાત છે. એનો અંશ હું અને મારામાં પણ આ પ્રચંડ શક્તિ છે. હું દુર્બળ નથી, હું અસ્પૃશ્ય નથી, હું દીનહીન પતિત નથી. હું આત્મતત્ત્વ છું.”
- “જેવી રીતે અલગ અલગ નદીઓ ભિન્ન-ભિન્ન સ્ત્રોતમાંથી નીકળી સમુદ્રમાં મળી જાય છે તેમ હે પ્રભુ! ભિન્ન ભિન્ન રુચિ અનુસાર વિભિન્ન વાંકા-ચૂકા અથવા સીધા માર્ગથી જનાર લોકો અંતે તમારામાં આવી સમાઈ જાય છે…”
- “હું તમને આ સમભાવ રંક, અભણ અને દલિતના ઉદ્ધાર માટેનો આ ભગીરથ પ્રયત્ન વારસામાં આપતો જાઉં છું. આ ક્ષણે જ પાર્થસારથિ (શ્રીકૃષ્ણ)ના મંદિરમાં જાઓ, રંક તથા હલકા ગણાતા ગોવાળોના જે સખા હતા, રામાવતારમાં ચંડાળ ગુહકને ભેટતાં પણ અચકાયા ન હતા, બુદ્ધાવતારમાં જેમણે ઉમરાવોના આમંત્રણને અસ્વીકાર કરીને એક વેશ્યાના આમંત્રણને કબૂલ રાખી તેનો ઉદ્ધાર કર્યો હતો, તેમની સમક્ષ મસ્તક નમાવી મહાન સમર્પણ કરો. અને જેમને માટે તેઓ વખતોવખત પૃથ્વી પર પધારે છે, તથા સર્વ કરતાં જેમને વધારે ચાહે છે તે દીન-દુઃખી-કંગાળને માટે સમગ્ર જીવનો ભોગ આપો.”
- જગતના ભિન્ન ભિન્ન ધર્મો પોતપોતાના ઉપાસના વિધિમાં ભલે જુદા પડે, પરંતુ વાસ્તવમાં તો તેઓ બધા એક જ છે.
શિવમહિમ્ન સ્તોત્ર અને ગીતાના શ્લોકોનું ઉચ્ચારણ કરી, સ્વામી વિવેકાનંદજી શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આગ્રહ સાથે માનવતાની આશા વ્યક્ત કરતાં કહે છે, “પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતો ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વર્ષોથી આવરી રહ્યાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવ લોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત પણ હવે તેનો સમય ભરાઈ ગયો છે. આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વ ઝનૂનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વત્રાસનો મૃત્યુઘંટ બની રહે. એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.”
પરમ રાષ્ટ્રભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદજી કહે છે…”આધુનિક જાતિભેદ ભારતની પ્રગતિમાં બાધક છે. તે સમાજને સંકુચિત, પ્રતિબંધિત અને વિભાજિત કરે છે.”
જાતિભેદ અને અન્ય વિષમતાઓને દૂર કરતી વેળાએ અનેકો પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે અને તે સમયે સર્વસ્વ સમર્પણ માટે તૈયાર રહેવા, દશમ ગુરૂ ગોવિંદસિંહજીના બલિદાનનું સ્મરણ સાથેનું સ્વામીજીનું આ કથન ભારતના પુત્રવત સમાજ માટે મહાન પ્રેરણાદાઈ બની રહેશે…
“તમને તમારા દેશબંધુઓમાં ભલે હજારો ત્રુટીઓ નજરે પડે ચડે, પણ તમે તેમના હિન્દુ રક્ત તરફ જ જો જો. તેઓ તમને નુકસાન પહોંચાડવા માટે બધું જ કરી છૂટે તો પણ, તેઓ પૈકી દરેકે દરેક તમને શ્રાપ આપે તો પણ, તમારે પૂજવાના પહેલા દેવતાઓ એ છે, તમારે તો તેમના પ્રેમના શબ્દો સંભળાવવાના છે. તેવો તમને હાંકી કાઢે તો પેલા સમર્થ નરકેસરી ગોવિંદસિંહની પેઠે શાંતિથી મૃત્યુને ભેટવા ચાલી નીકળજો. આવો મનુષ્ય હિન્દુના નામને યોગ્ય છે; આવો આદર્શ આપણી સમક્ષ હોવો જોઈએ.”
સ્વામીજીએ ભવિષ્યવાણી કરી હતી:
“પવિત્રતાની પ્રોત્સાહક જ્યોત સાથે ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધારણ કરી ગરીબ, પતિત અને દલિત માટે હમદર્દી દાખવતા, સિંહનું હૈયુ કેળવી, લાખો નરનારીઓ આપણા દેશને ખૂણે ખૂણે ફરી વળશે, મુક્તિનો, સાહસનો અને સામાજીક પુનરુત્થાનનો અને સમાનતાનો સંદેશ સૌને પહોંચાડશે.”
સ્વામી વિવેકાનંદજીએ તે દિવસોમાં ખાતરીપૂર્વક કહ્યું હતું કે, “આ આપણી માતૃભૂમિ ભારત નિદ્રાધીન અવસ્થામાંથી જાગ્રત થઈ રહી છે, હિમાલયમાંથી વહી આવતી વાયુલહેરીની પેઠે તે તેનાં મૃત:પાય અસ્થિ અને સ્નાયુઓમાં પ્રાણ પૂરી રહ્યો છે. સુસ્તી ઊડતી જાય છે, અને માત્ર ચક્ષુવિહીનો જોઈ નહીં શકે અગર તો જાણી જોઈને અવળી મતિવાળાઓ જે નહીં જુએ કે આપણી આ માતૃભૂમિ પોતાની દીર્ઘ ગાઢ નિદ્રામાંથી જાગ્રત થઈ રહી છે. હવે એનો કોઈ સામનો કરી શકે એમ નથી; હવે ફરી એ નિદ્રાધીન થવાની નથી; કારણ કે આ વિરાટકાય રાષ્ટ્રમાતા આળસ ખંખેરી પોતાના પગ પર ઊભી થઈ રહી છે.”
આપણે સૌ વેદાંતમાં પ્રકટ થયેલ એકાત્મતા-ઐક્યભાવના શાશ્વત વિચાર અને તે અનુરૂપ દેશની સમકાલીન પરિસ્થિતિ તેમજ તેના સમાધાન હેતુ સ્વામીજીએ આપેલ વિચારોને સમજી, આચરણમાં મૂકી, સમરસ સમાજ નિર્માણ દ્વારા ભારતના પુનરોત્થાનના શુભ સંકલ્પને પરિપૂર્ણ કરીએ.
_______________
[ ( સંદર્ભ: ૧.ધ કમ્પલેટ વર્ક ઓફ સ્વામી વિવેકાનંદ,વોલ્યુમ-૯, એસએસએફ; ૨.સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ; ૩.શિકાગો વ્યાખ્યાનો-સ્વામી વિવેકાનંદ; ૪.યુવાનોને – સ્વામી વિવેકાનંદ; ૫.સ્વામી વિવેકાનંદ- જાતિ, સંસ્કૃતિ અને સમાજવાદ, એસએસએફ; ૬.સ્વામી વિવેકાનંદ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર; ૭.સ્વામી વિવેકાનંદ કા હિન્દુરાષ્ટ્ર કો ઉદ્બોધન, ૮.સ્વામી વિવેકાનંદ[સંક્ષિપ્ત જીવન], ૯.સાધના સાપ્તાહિક અને ૧૦.શ્રી શક્તિ આરાધના અંક,ડીસેમ્બર.૨૦૨૦ )]