તારક મહેતા કા ઉલટા ચશ્માંના નટુકાકાની જીવનના રંગમંચ પરથી વિદાય, છેલ્લા 1 વર્ષથી કેન્સર હતું
- તારક મહેતાના ઉલ્ટા ચશ્માંના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકનું નિધન
- તેઓ લાંબા સમયથી કેન્સરથી હતા પીડિત
- તેમના નિધનથી ગુજરાતી અભિનય જગતમાં શોકની લાગણી પ્રસરી
મુંબઇ: એક ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાની ભૂમિકા ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે નિધન થયું છે. આપને જણાવી દઇએ કે ઘનશ્યામ નાયક છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેઓ કેન્સરથી પીડિત હતા. અભિનેતાએ મુંબઇ ખાતે અંતિમ શ્વાસ લીધા છે.
અગાઉ એક ઇન્ટરવ્યૂમાં ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે તેઓને કેન્સર અંગે જણાવ્યું હતું કે, પહેલા ગળામાં કેટલાક સ્પોટ્સ જોવા મળ્યા, ત્યારબાદ આગળની સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના પુત્રએ કહ્યું હતું કે, એપ્રિલ માસમાં ગળાનું પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરવામાં આવ્યું જેનાથી બીમારીની માહિતી મળી હતી.
નટુકાકા તરીકે જાણીતા ઘનશ્યામ નાયકે 250 થી વધુ ફિલ્મો, નાટ્ય, થિયેટરમાં કામ કર્યું છે. નટુકાકાની વિદાયથી ગુજરાતી અભિનય જગતને મોટી ખોટ પડી છે. તેમના નિધનથી ગુજરાતી અભિનય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના ઊંઢાઇ ગામમાં જન્મેલા ઘનશ્યામ નાયકે આશરે 100 જેટલાં નાટક અને 223 ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવેય શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્તીપાત્ર ભજવ્યું અને ત્યારપછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાત તરીકે કામ શરૂ કર્યું.