Site icon Revoi.in

ગુજરાતમાં ડ્રોપ આઉટનો 3 ટકા રેશિયો ધરાવતી માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ શાળાઓમાં તા.26મી જુનથી ત્રિદિવસ પ્રવેશોત્સવ યોજાશે. આ વખતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે પ્રવેશોત્સવ યોજાશે. આ અગાઉ 2017માં માધ્યમિક વિભાગ માટે પ્રવેશોત્સવ યોજાયો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં ડ્રોપ આઉટનું પ્રમાણ ત્રણ ટકા આસપાસ છે.

ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં ડ્રોપઆઉટ રેશીયો શૂન્ય કરવાના લક્ષ્યાંક સાથે 21મો પ્રવેશોત્સવ 26થી28 જૂનના રોજ યોજાશે. દરવર્ષે બાલવાટિકા અને ધો.1માં પ્રવેશ માટે યોજાતો પ્રવેશોત્સવ માધ્યમિકમાં ધો. 9મા અને ઉચ્ચતર માધ્યમિકમાં ધો. 11 સુધી વિસ્તારવામાં આવ્યો છે. ધો.1થી8માં સરેરાશ ડ્રોપઆઉટ રેશિયો 2 ટકા જેટલો છે, જયારે ધો. 9માં ડ્રોપઆઉટ રેશીયો 3 ટકા જેટલો છે. સરકાર દ્વારા આ વખતે પ્રવેશોત્સવમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની સ્કોલરશીપનું વિતરણ પણ વિદ્યાર્થીઓને કરાશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાનસેતું મેરિટ સ્કોલરશિપ અને જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશિપની રકમ પણ લાભાર્થીઓને અપાશે. પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં 11.73 લાખ, ધો. 1માં 3.62 લાખ અને ધો. 9માં 10.35 લાખ અને ધો. 11માં 6.61 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. અત્યાર સુધી પ્રવેશોત્સવ ધો. 1માં પ્રવેશ માટે કરવામાં આવતો હતો. આ વખતે ધો. 9 અને ધો.11માં પણ પ્રવેશોત્સવ યોજાશે. 2017માં ધો. 9માં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો, પણ તે માત્ર એક વર્ષ પૂરતો મર્યાદિત રહેતા તેના ધાર્યા પરિણામો ન મળતા હવે ફરી પ્રવેશોત્સવ યોજવામાં આ‌વશે.

શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ પ્રવેશોત્સવની સાથે શાળાઓની માળખાકીય અને શૈક્ષણિક સુવિધાઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ મૂલ્યાંકનના આધારે શાળાઓને રેંક પણ આપવામાં આવે છે. આ રેંક વાલીઓના ધ્યાનમાં આવે તેવી રીતે તેની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવતી નથી, પણ શિક્ષણ વિભાગની તેની આંતરિક સમીક્ષામાં આ મૂલ્યાંકનને ધ્યાનમાં રાખે છે. પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી. મંત્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓને પણ જોડશે. આ વર્ષથી જ શરૂ થનારી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો પ્રચાર થશે. (File photo)