Site icon Revoi.in

ચીનના એન્ટરપ્રેન્યોર્સ ભારતમાં ચલાવવા માંગે છે ‘ઇન્ડિયા ઇન્ટરનેટ કન્ઝ્યુમર વેવ’

Social Share

છેલ્લા એક વર્ષમાં ‘ન્યુઝડોગ’, ‘શીન’ અને ‘ટિકટોક’ની સક્સેસ સ્ટોરીથી પ્રેરણા લઈને આશરે 50 ચાઈનીઝ એન્ટરપ્રેન્યોર્સે ભારતમાં ઇન્ટરનેટ કંપનીઓ લોન્ચ કરી છે. તેમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ ‘મેફેર’ અને વીડિયો બેઝ્ડ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ‘બુલબુલ’નો સમાવેશ થાય છે જેણે તાજેતરમાં રોકાણકારોને આકર્ષ્યા છે, જ્યારે બીજા ઘણા એવા પ્લેટફોર્મ્સ છે જેના પર ચાઈનીઝ એન્ટરપ્રેન્યોર્સ ભારતમાં કામ કરી રહ્યા છે. તેનું કારણ છે કે તેઓ ભારતમાં ઇન્ડિયન કન્ઝ્યુમર ઇન્ટરનેટ વેવ ચલાવવા માંગે છે કારણકે ચીનનું કન્ઝ્યુમર ઇન્ટરનેટ માર્કેટ હવે એક ટોચ પર પહોંચીને સ્ટેબલ થયું છે.

ચિરાટે વેન્ચર્સના પાર્ટનર કરણ મહોલા જણાવે છે કે, “ચીનના ઘણા એન્ટરપ્રેન્યોર્સ અને એવા લોકો જેમણે મોટાં ચાઈનીઝ સ્ટાર્ટ-અપ્સમાં કામ કર્યું હોય તેમણે છેલ્લાં 10 વર્ષોમાં ચીનમાં વિવિધ ક્ષેત્રોમાં મોટા પાયે પ્રોડક્ટ્સ બનાવી છે. હવે તેઓ ભારતીય ઓડિયન્સ માટે પ્રોડક્ટ્સ બનાવવા માંગે છે.”

આ એન્ટરપ્રેન્યોર્સમાંના મોટાભાગના લોકો Welike, 4Fun and Injoy જેવા નામો સાથે રિજિયોનલ કોન્ટેન્ટ સ્પેસને ટાર્ગેટ કરી રહ્યા છે. જ્યારે બાકીના આશરે 20 અન્ય લોકો ફાઇનાન્શિયલ અને ટેક્નોલોજીકલ સ્પેસને ટાર્ગેટ કરી રહ્યા છે, જેમાં પેમેન્ટ્સ અને લેન્ડિંગ (લોન પર પૈસા)નો પણ સમાવેશ થાય છે.

આમાંના કેટલાક લોકો પોતાની પ્રોડક્ટને માત્ર લોકલાઇઝ કરવાનું જ નથી વિચારી રહ્યા પરંતુ સ્થાનિક લોકો સાથે તેને બ્લેન્ડ કરવા માટે ભારતીય નામો પણ અપનાવી રહ્યા છે. એમાંના કેટલાક તો એવું જણાવવા દેવા પણ નથી માંગતા કે તેમની ઇન્ટરનેટ કંપનીની માલિકી એક ચાઈનીઝ વ્યક્તિની છે.

ભારતમાં તાજેતરમાં એક ઇન્ટરનેટ કંપની લોન્ચ કરનાર ચાઈનીઝ એન્ટરપ્રેન્યોર જણાવે છે કે ભારતમાં સૌથી મોટો પડકાર છે તેના માર્કેટ, યુઝર્સ અને રેગ્યુલેશન્સને સમજવાનો. આ માટે સ્ટાર્ટ અપ શરૂ કરતા પહેલા તે અનેક વખત ભારતની મુલાકાતે આવ્યો. જોકે પડકારો હોવા છતાં, તેનું કહેવું છે કે ભારતમાં જબરદસ્ત લોજિસ્ટિક્સ અને પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ 200 મિલિયન ઇન્ટરનેટ યુઝર્સને જોતાં તેમના માટે ભારત એક પર્ફેક્ટ માર્કેટ છે.