પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ રોજીંદા જીવનમાં અપનાવી જરૂરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ રોજિંદા જીવનમાં અપનાવીને હરેક ક્ષેત્રે પર્યાવરણના વિચાર સાથે સંતુલિત વિકાસનું આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન લાઇફની જે સંકલ્પના આપી છે તેને ઊર્જા, પાણી, વગેરેના વિવેકપૂર્ણ ઉપયોગ, પ્લાસ્ટિકના ઓછામાં ઓછા ઉપયોગ અને પ્રકૃતિ જતનને જીવનશૈલી બનાવી સૌ સાકાર કરીએ.
મુખ્યમંત્રીએ 21મી માર્ચ, આંતરરાષ્ટ્રીય વન દિવસના ઉપલક્ષ્યમાં મહાત્મા મંદિર ખાતે વન વિભાગ આયોજિત એગ્રો ફોરેસ્ટ્રી આધારિત FPO ના વર્કશોપનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 10 હજાર એગ્રો ફોરેસ્ટ્રી આધારિત ‘ખેડૂત ઉત્પાદક સંઘ – FPO’ સ્થાપવાના આપેલા લક્ષ્યાંકને સાકાર કરવાના હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ આ વર્કશોપમાં સહભાગી થયા હતા.
આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીની થીમ ‘‘ફોરેસ્ટ એન્ડ હેલ્થ’’ રાખવામાં આવી છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જંગલો ઓછા થવાથી પૃથ્વી પરનું સમગ્ર ઋતુચક્ર બદલાઇ ગયું છે. કમોસમી વરસાદ, અતિશય ગરમીનું ઊંચું તાપમાન, ગ્લોબલ વોર્મિંગ અને કલાયમેટ ચેન્જની માનવજીવનના સ્વાસ્થ્ય-તંદુરસ્તી પર અસર પડે છે.
તેમણે ઉમેર્યુ કે, કલાયમેટ ચેન્જની આ સમસ્યા સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગવા વિઝનથી ગુજરાતમાં દેશભરમાં સૌથી પહેલાં કલાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરેલો છે. એટલું જ નહિ, તેમણે પર્યાવરણ પ્રિય, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે ગ્રીન ગ્રોથની હિમાયત પણ આ વર્ષના કેન્દ્રીય બજેટમાં કરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના આ વિચારને પગલે ગુજરાતમાં પણ આ વર્ષે બજેટમાં ગ્રીન ગ્રોથ માટે આવનારા પાંચ વર્ષ માટે બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું આયોજન કર્યુ છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના શહેરી વિસ્તારોમાં 20 જેટલા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવા સાથે એગ્રો ફોરેસ્ટ્રીનો વ્યાપ વિસ્તારી આવનારા વર્ષોમાં 5750 ચોરસ કિલોમીટર વિસ્તારને તેમાં આવરી લેવાની નેમ છે.
ભૂપેન્દ્ર પટેલે જળ, જમીન અને જંગલનો સમન્વય કરીને કૃષિ વનીકરણ એગ્રો ફોરેસ્ટ્રી કરતા ખેડૂતો, ધરતીપુત્રોને અદ્યતન માર્ગદર્શન આપવા આંતરરાષ્ટ્રીય વન દિવસે આવી કાર્યશાળાના આયોજનને બિરાદાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર એગ્રો ફોરેસ્ટ્રી સાથે જોડાયેલા ખેડૂતોની પડખે ઊભી રહેશે તેવી નેમ પણ દર્શાવી હતી.
તેમણે ‘વસુધૈવ કુટુંબકમ’ સમગ્ર વિશ્વ એક પરિવાર એવી ભાવના સાથે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 માં ક્લાયમેટ ચેન્જ સંબંધિત વર્કીંગ ગૃપની બેઠક ગુજરાતમાં યોજાવાની છે તેની પણ રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીએ દેશના આ અમૃતકાળને પર્યાવરણ પ્રિય વિકાસથી અને ગ્રીન ગ્રોથથી અમૃતમય બનાવવા સૌના સામુહિક પ્રયાસો માટે અનુરોધ કર્યો હતો.