Site icon Revoi.in

ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણને માનવ જીવનનો અભિન્ન અંગ માનવામાં આવે છેઃ ઓમ બિરલા

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પાર્લામેન્ટરી ફોરમ ઓન લાઈફ નામની પૂર્વ-P20 સમિટ શરૂ થઈ છે. G20 સભ્યો અને આમંત્રિત દેશોની સંસદના અધ્યક્ષ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તેમાં કુદરત સાથે સુમેળમાં હરિયાળા અને ટકાઉ ભાવિ તરફની પહેલ અંગે વિચારણા કરવામાં આવશે.ભારતના G20 પ્રેસિડેન્સીના વિષય વસ્તુને અનુરૂપ, 9મી P20 સમિટની વિષય વસ્તુ એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય માટે સંસદ  છે. 

 પ્રી સમિટ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, મિશન લાઇફ એ પર્યાવરણીય સંરક્ષણ તરફનો એક વ્યાપક અભિગમ છે. ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણને માનવ જીવનનો અભિન્ન અંગ માનવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હી ખાતે 9મી G20 સંસદીય સ્પીકર્સ સમિટ (P20)નું ઉદ્ઘાટન કરશે. આ સમિટનું આયોજન ભારતની સંસદ દ્વારા ભારતના G20 પ્રેસિડેન્સીના વ્યાપક માળખા હેઠળ કરવામાં આવી રહ્યું છે.

સંમેલનને સંબોધતા ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, ભારત વિવિધતમાં એકતાનો દેશ છે. મને લાગે છે આ સંમેલન નવા માપદંડોની નવી દિશા આપવામાં સહાયતા આપશે. પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનનો સંબંધ વિશ્વના ભવિષ્ય માટે છે. જેથી આપણે આ સંમેલનમાં પર્યાવરણ સંબંધિત વિષયોને કેન્દ્રોમાં રાખીએ. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વધુમાં જણાવ્યું હતું કે, પર્યાવરણને માનવ જીવનનો અભિન્ન અંગ માનવામાં આવે છે. અમારા પ્રાચીન ગ્રંથોમાં એવુ કહેવાયું છે કે, જે પર્યાવરણની રક્ષા કરે છે, પરિયારણ તેની રક્ષા કરે છે.