- શરદી-ઉધરસ અને ન્યુમોનિયા બાદ મલ્ટિ ઓર્ગન ફેઈલ્યોરથી મોત,
- આરોગ્ય વિભાગે 25 ટીમો ઉતારી,
- આરોગ્ય મંત્રી કચ્છ દોડી આવ્યા
ભૂજઃ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી ભેદી રોગચાળો ફાટી નિકળ્યો છે. અને 6 દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘેર સર્વે કરીને બિમારીનો ભોગ બનેલા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જે દર્દીઓના મોત નિપજ્યા છે. તેની તપાસ કરતા દર્દીને તાવ, શરદી-ઉધરસ બાદ થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટિ ઓર્ગન ફેઇલ્યોર બાદ દર્દીના મોત નિપજ્યા હતા આ મામલાની ગંભીરતા જોતા આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત ગામોમાં 25 ટીમો ઉતારી છે અને ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું છે. ગામની દરેક શેરીઓમાં દવાનો છંટકાવ હાથ ધરાયો છે.
કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી બીમારીથી 6 દિવસમાં 15 લોકોના મોત નિપજતા આરોગ્ય વિભાગ દોડી આવી છે. આ ભેદી રોગચાળાને નાથવા માટે નિષ્ણાત તબિબોની ટામો પણ ઉતારવામાં આવી છે. દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા કચ્છ પહોંચ્યા છે. અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સાથે આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા બેઠક કરી હતી.
કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી રવીન્દ્ર ફુલમાલીએ જણાવ્યું હતું કે, બીમારીનાં લક્ષ્ણોમાં ખાસ શ્વાસ લેવામાં તકલીફ પડે છે, છેલ્લે મરણનું કારણ આવે ત્યારે એઆરડીએસ આવે છે અને એની સાથે મલ્ટિપલ ઓર્ગન ફેઇલ આવે છે. આ ભેદી રોગમાં લખપતના ચાર અને અબડાસાનાં બે ગામોમાં ખાસ ઇફેક્ટ છે. અત્યારે આરોગ્ય વિભાગની 25 ટીમો ફિલ્ડમાં છે. જે ડોર ટુ ડોર ફરી લોકોનું નિદાન અને દવાનો છંટકાવ કરી રહ્યા છે.