અમદાવાદમાં રોગચાળાએ માથુ ઉચક્યું: એક જ સપ્તાહમાં ચિકન ગુનિયા અને ડેન્ગ્યુથી દસ જેટલા દર્દીનાં મોત
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. શહેરની ૩૦ જેટલી મોટી ખાનગી હોસ્પિટલોની ઓપીડીમાં ચિકન ગુનિયા અને ડેન્ગ્યુના 1500 જેટલા કેસ ઓપીડીમાં નોંધાયા છે, એટલું જ નહિ પરંતુ એક જ સપ્તાહમાં ચિકન ગુનિયા અને ડેન્ગ્યુથી દસ જેટલા દર્દીનાં મોત થયાં છે. તેમ અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ડેન્ગ્યુ કરતાં ચિકન ગુનિયાના કેસ વધારે છે અને પહેલી વાર ચિકન ગુનિયાના કેસોમાં ફેફસાંને લગતી જુદી જુદી સમસ્યાના કિસ્સા સામે આવી રહ્યા છે, અગાઉ આવું જોવા મળ્યું નથી. શહેરની ૩૦ જેટલી ખાનગી હોસ્પિટલોમાં દર રોજ ઓપીડીમાં ૩૦થી ૪૦ જેટલા કેસ ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના નોંધાઈ રહ્યા છે, ચિકન ગુનિયામાં સાંધા જુકડાઈ જવાના કારણે જે તે દર્દીઓને સંપૂર્ણ આરામ કરવાની નોબત આવી છે, ચિકન ગુનિયામાં પહેલી વાર લંગ્સ કોમ્પ્લિકેશન સામે આવી રહ્યા છે.કોરોના પછી ફરી વાર ખાનગી હોસ્પિટલોમાં તબીબો અને સ્ટાફની દોડધામ વધી ગઈ છે.
શહેરના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં પણ રોગચાળાના રોજના 3 હજારથી 3500 કેસ નોંધાઈ રહ્યા છે, જે પૈકી 150થી વધુ બાળ દર્દીઓ સામેલ છે, બાળકોમાં ઝાડા ઉલટીના કેસોએ પણ માથું ઊંચક્યું છે. બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડીમાં રોજના 2200 જુદા જુદા રોગના દર્દી નોંધાઈ રહ્યા છે. કેસ કઢાવવા માટે પણ લાંબી કતારોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં જ સિવિલમાં 79 ડેન્ગ્યુ, 24 ચિકન ગુનિયા, 12 મેલેરિયાના કેસ સામે આવ્યા છે,