- મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું
- હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો
- આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં
- રોગચાળાને અટકાવવા શરૂ કરાઈ કવાયત
અમદાવાદઃ શહેરમાં ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાથી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. 15 દિવસના સમયગાળામાં ડેન્ગીના 106 જેટલા કેસ નોંધાયાં હતા. બીજી તરફ ચિકનગુનિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બે સપ્તાહમાં ચિકનગુનિયાના 24 કેસ નોંધાયાં હતા. શહેરમાં રોગચાળો વકરતા મનપાનું આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું છે અને રોગચાળાને વકરતો અટકાવવા માટે કવાયત શરૂ કરી છે.
અમદાવાદમાં ચોમાસાની વિદાય બાદ રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને કાબુમાં લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન સપ્ટેબર મહિનામાં ડેન્ગ્યુ એટલે કે ડેન્ગીના 256 જેટલા કેસ નોંધાયાં હતા. આવી જ રીતે મેલેરિયાના 46 અને ચિકનગુનિયાના 81 કેસ નોંધાયાં હતા. જ્યારે ઓગસ્ટ મહિનામાં સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 325, મેલેરિયાના 53 અને ચિકનગુનિયાના 66 કેસ નોંધાયાં હતા. આમ મેગાસિટી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે.
ગુજરાતમાંથી મેઘરાજાએ વિધિવત રીતે વિદાય લીધી છે. પરંતુ અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ અજગર ભરડો લીધો છે. જેથી ઘરે-ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. બીજી તરફ રોગચાળો વકરતા સફાળા જાગેલા તંત્ર દ્વારા રોગચાળાને કાબુમાં લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.