Site icon Revoi.in

વરસાદી સીઝનમાં ખરીફ પાકને રોગચાળાનો ખતરો, કૃષિ વિભાગે આપી સલાહ

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં સતત વરસાદને ખરીફ પાકમાં રોગચાળાનો ભય છે. તેથી કૃષિ વિભાગે ખેડૂતોને સલાહ આપી છે. કે, , શક્ય હોય તો ખેતરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરો. તેમજ સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આંતરખેડ ન કરવા અને કૃષિ વિભાગના અધિકારીઓનું માર્ગદર્શન લેવા જણાવાયું છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત ત્રણ દિવસની હેલીના કારણે જુવાર, મકાઇ તેમજ શાકભાજીનો પાક ઢળી પડતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હોવાની ફરિયાદો પણ ઊઠી છે.

બનાસકાંઠાના ખેડુતોના કહેવા મુજબ  જિલ્લામાં  સતત વરસાદ અને ભારે પવનના કારણે જુવાર, મકાઇ અને શાકભાજી ઢળી પડ્યા છે. મકાઇ અને જુવાર ઉપર હજુ છોગા પણ આવ્યા નથી. ત્યારે પાક ઢળી પડતાં ખેડૂતોને નૂકશાન થયું છે. ખેતીવાડી વિભાગ દ્વારા સત્વરે સર્વે કરવામાં આવે તેવી માંગણી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, દાંતા, પાલનપુર સહિતના પંથકમાં ભારે વરસાદથી ખેતીનો પાક ઢળી પડ્યો હશે. જોકે, તે ઉભો થઇ જશે. નુકશાનીના કોઇ અહેવાલ સાંપડ્યા નથી. જિલ્લામાં અત્યાર સુધી પડેલા વરસાદથી ખેતીના પાકોને ફાયદો થયો છે.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. હજુ પણ વરસાદના હળવા ઝાપટાં પડી રહ્યા છે. વરસાદને લીધે  ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. હાલની પાક પરિસ્થિતિ જોતા પાક નુકશાન થવાના બે પરિબળો જવાબદાર બની શકે છે. એક તો લાંબા સમયથી વાવેતર કરેલા વિસ્તારમાં પાણી ભરાયેલું રહે તો નુકશાન થઈ શકે છે. અને બીજુ રોગચાળોની પણ શક્યતા છે. ત્યારે કૃષિ વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે,  શક્ય હોય તો ખેતરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરો. તો જ પાકને કોહવાડથી બચાવી શકાય છે. તેમજ સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આંતરખેડ ન કરવા જણાવાયું છે.