Site icon Revoi.in

અમદાવાદમાં અસહ્ય ગરમીમાં રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિતના કેસમાં વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં વધતા જતા તાપનમાનને લીધે ઝાડા-ઊલટી સહિત પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સાથે હીટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે. છેલ્લા પખવાડિયામાં ઝાડા ઊલટીના 1078 તથા ટાઈફોઈડના 300 કેસ નોંધાયા હતા. એએમસીના આરોગ્ય વિભાગે ગરમીને લીધે લોકોને બાહ્ય ખોરાક ન આરોગવા અપીલ કરી છે. દરમિયાન પાણીજન્ય રોગચાળાને નાથવા માટે જે તે વિસ્તારોમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. જેમાં પાણીના 86 સેમ્પલ અનફીટ જાહેર થયા છે. રામોલ-હાથીજણ ઉપરાંત દાણીલીમડા, લાંભા,ભાઈપુરા, ઈન્દ્રપુરી તેમજ વસ્ત્રાલ,જમાલપુર, ખોખરા,સરખેજ, વટવા તથા અમરાઈવાડી વોર્ડમાં આ મહિનામાં કોલેરાના કુલ 24 કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તો તાપમાનનો પારો 44થી 45 ડિગ્રીએ પહોંચી જતાં તેની જન જીવન પર અસર પડી રહી છે, મ્યુનિ. દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને લોકોને ગરમીથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગરમી વધવાના કારણે પાણીજન્ય રોગના કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા પખવાડિયા દરમિયાન ઝાડા ઊલટીની સાથે કમળાના 107 કેસ નોંધાયા છે. કોલેરાના વધતા કેસ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ માટે પણ ચિંતાનો વિષય બન્યા છે. મે મહિનાના ત્રીજા સપ્તાહમાં મધ્યઝોનમાં આવેલા જમાલપુર તથા દક્ષિણઝોનમાં આવેલા ખોખરા તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા સરખેજ વોર્ડમાં પણ કોલેરાના કેસ નોંધાયા છે. એએમસી દ્વારા પુરા પાડવામા આવતા પાણીમાં કલોરીનનુ પ્રમાણ છે કે કેમ? એ બાબતની ચકાસણી કરવા માટે મે મહિનામાં સમગ્ર શહેરમાંથી કુલ 10189 પાણીના સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.આ પૈકી 446 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે કુલ મળીને 2956 સેમ્પલ પાણીના લેવામાં આવ્યા હતા. આ પૈકી પાણીના 86 સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના 44 તથા મેલેરિયાના 26 કેસ નોંધાયા હતા.શહેરના સાત ઝોનમાં સીઝનલફલુના 8 કેસ નોંધાયા હતા.જાન્યુઆરી-24થી મે-24 સુધીમાં સીઝનલ ફલુના કુલ 514 કેસ નોંધાયા હતા.