- કંપનીમાં એક જ વિભાગમાં સમાન કામ માટે અલગ વેતન ન હોવું જોઈએ,
- સમાન વેતનનો સિધ્ધાંત તમામ કર્મચારીઓને લાગુ પડી શકે,
- હાઈકોર્ટની ખંડપીઠે આપ્યો ચુકાદો
અમદાવાદઃ સમાન કામ સમાન વેતનનો સિદ્ધાંતને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ મોના એમ.ભટ્ટની ખંડપીઠે સમાન કામ, સમાન વેતનના સિધ્ધાંતને લઇ આપેલા મહત્વના ચુકાદામાં ઠરાવ્યું હતું કે, કંપનીના સાથી કર્મચારીઓના જેવી જ ફરજ અને જવાબદારી નિભાવનાર અન્ય કર્મચારીઓ પણ આવા લાભો મેળવવા હકદાર ઠરે છે.
ગુજરાત હાઈકોર્ટે એક કેસના ચુકાદામાં જણાવ્યું હતું કે, કંપનીમાં જો એક જ વિભાગમાં કામ કરતા, સમાન ફરજ બજાવતા કર્મચારીઓને બે અલગ અલગ વેતન અને ભથ્થાં હોય તો તે ભેદભાવપૂર્ણ કહેવાય. જે કર્મચારીઓને લાભો નથી અપાયા તેમનું કામ કંપનીના સમાન વિભાગોમાં તેમના સાથી કર્મચારીઓના કામ જેવું જ હતું. કંપનીએ પગાર માળખુ અને સંલગ્ન ભથ્થાં અમલમાં મૂકયા હોવાથી સમાન કામ માટે સમાન વેતનના સિધ્ધાંત હેઠળ તે તમામ કર્મચારીઓને લાગુ પડી શકે. આ સાથે પોતાના કેટલાક કર્મચારીઓને પગાર માળખા સાથે જોડાયેલ સંબંધિત લાભો નહી આપનારી હિન્દુસ્તાન કેમીકલ્સ કંપની તરફથી કરાયેલી અપીલ હાઇકોર્ટે ફગાવી દીધી હતી અને કર્મચારીઓને આવા લાભો આપવા અંગેના ઔદ્યોગિક અદાલત અને હાઇકોર્ટના સીંગલ જજના હુકમને કાયમ રાખ્યો હતો.
આ કેસની વિગત મુજબ, હિન્દુસ્તાન કેમીકલ્સ કંપની અને તેના કર્મચારીઓ વચ્ચે ગત તા.21-3-1996ના રોજ સમાધાન થયુ હતુ. આ સમાધાન મુજબ, જે કર્મચારીઓ તા.31-12-1994 પહેલા કંપનીમાં કાર્યરત હતા, તેવા કર્મચારીઓને જ ઉદ્ભવતા લાભો મળવાપાત્ર હતા. જો કે, કેટલાક કર્મચારીઓ એવા પણ હતા કે, જેઓ તા.31-12-1994 પછી કંપનીમાં જોડાયા હતા. તેઓ સમાધાનમાં સહી કરનારા નહી હોવાથી કંપની દ્વારા તેમને લાભો આપવાનો ઇન્કાર કરાયો હતો. જેને પગલે આ નારાજ કર્મચારીઓએ ઔદ્યોગિક ટ્રિબ્યુનલમાં દાવો કરતાં ટ્રિબ્યુનલે અરજદાર કર્મચારીઓને સંબંધિત લાભો ચૂકવવા હુકમ કર્યો હતો. જેની સામે કંપનીએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી, જેમાં પણ સીંગલ જજે કંપનીની રિટ અરજી ફગાવી દઇ ટ્રિબ્યુનલના હુકમને કાયમ રાખ્યો હતો અને ઠરાવ્યું હતું કે, ટ્રિબ્યુનલના હુકમમાં કોઇ ભૂલ નથી. સીંગલ જજના આ હુકમ સામે કંપનીએ હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરી હતી.