અમદાવાદઃ શહેરના છેવાડે એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ હદયને હચમચાવી નાખનારી અકસ્માતની ઘટનામાં સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. એટલું જ નહીં અનેક નિર્દોષોને અડફેટે લેનાર કારની સ્પીડ 160 કિમીથી પણ વધારે હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, આ કેસની તપાસમાં પોલીસે કારની સ્પીડ જાણવા માટે એફએસએલ અને આરટીઓની પણ મદદ લીધી છે. આજે એફએસએલ અને આરટીઓની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈને તપાસ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈસ્કોનબ્રેજ ઉપર મોટરકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેથી પોલીસની ટીમ અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. તેમજ બચાવ કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન પૂરઝડપે આવેલી મોટરકારે બે પોલીસ કર્મચારી સહિત 20થી વધારે લોકોને અડફેટે લીધા હતા. જેમાં 9 વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. નિર્દોષોને અટફેટે લનેરી કારની સ્પીડ 160 કિમી પ્રતિકલાકથી વધારેની હોવાનું સામે આવ્યું છે. દરમિયાન પોલીસ દ્વારા સમગ્ર મામલે FSL, RTOની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં કોઈ પણ ગુનેગારને છોડવામાં નહી આવે તેવુ નિવેદન ટ્રાફિક DCP નિતા દેસાઈએ આપ્યુ છે. DCP નિતા દેસાઈએ જણાવ્યું છે કે, કાર ચાલક તથ્ય પટેલ હાલ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. કારના ચાલકનું નામ તથ્ય પટેલ હોવાનું ખૂલ્યું છે. દરમિયાન પોલીસ તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થયાં છે. અકસ્માત સર્જનાર કાર તથ્ય પટેલ કે પરિવારજનોના નામે નોંધાયેલી નહીં હોવાનું સામે આવ્યું છે. કારનું રજિસ્ટ્રેશન ક્રિશ વરિયા નામની વ્યક્તિને થયું છે.