1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણથી વર્ષ 2025 સુધીમાં એક લાખ કરોડનો ફાયદો થશેઃ અમિત શાહ
પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણથી વર્ષ 2025 સુધીમાં એક લાખ કરોડનો ફાયદો થશેઃ અમિત શાહ

પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણથી વર્ષ 2025 સુધીમાં એક લાખ કરોડનો ફાયદો થશેઃ અમિત શાહ

0
Social Share

સુરતઃ શહેરના હજીરા સ્થિત કૃભકો(કૃષકભારતી કો-ઓપ.લિ.)ના રૂ.350 કરોડના ખર્ચે પ્રતિદિન 2.50 લાખ લિટર ક્ષમતાના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરતા જણાવ્યું કે, ઈથેનોલ મિશ્રણના કારણે ક્રૂડ ઓઈલની આયાતમાં રૂ. 46000 કરોડની બચત થઈ છે, જેનો સીધો અર્થ એ છે કે શેરડી, મકાઈ, ડાંગર જેવા પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોના પરિશ્રમના પરિપાકરૂપે આ રૂ.46000  કરોડની રકમ તેમના સુધી પહોંચી છે. તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિત શાહે જણાવ્યું હતું.

સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન અને ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ માટે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીનું નિર્માણ કરાશે એવી પણ ગૃહમંત્રીએ આ પ્રસંગે જાહેરાત કરી હતી. આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત આમ્રપાલી ઓપન એર થિએટર, કૃભકો ટાઉનશીપ ખાતે આયોજિત સહકારિતા સંમેલન સહ કૃભકોના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટના ખાતમુહુર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોજેક્ટના કારણે ખેડૂતો પાસેથી મોટા પાયે મકાઈની ખરીદી કરવામાં આવશે, જે તેમના માટે આવકના નવા રસ્તા ખોલશે, તેમજ મકાઈ, શેરડી, ડાંગર પકવતા ખેડૂતોના આર્થિક સમૃદ્ધિના દ્વાર ખૂલી જશે.

વડાપ્રધાનએ વર્ષ 2025  સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ સંમિશ્રિત કરવાનો લક્ષ્યાંક સેવ્યો છે, અને પાંચ માસ પહેલાં જ અડધો લક્ષ્યાંક એટલે કે 10 ટકા ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયો છે એમ જણાવતાં શાહે પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણથી દેશની તિજોરીને વર્ષ 2025 સુધીમાં એક લાખ કરોડનો ફાયદો થશે એમ સ્પષ્ટપણે ઉમેર્યું હતું.

દેશના ગરીબ, પીડિત, વંચિત, શોષિત, દલિત, પછાત સમુદાયને મુખ્ય ધારામાં લાવવાનું એક માત્ર માધ્યમ સહકારી ક્ષેત્ર છે એમ જણાવી તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે દેશના સહકારી સંસ્થાનો, ઉદ્યોગોને સસ્ટેનેબલ અને પ્રોડક્ટિવ બનાવવા માટે સતત કામ થઈ રહ્યું છે.  બાયોફ્યૂઅલમાં ભારત વિશ્વમાં મહત્વનું સ્થાન પામી રહ્યું છે એનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય સહકાર મંત્રીએ કહ્યું કે, સ્વચ્છતા અને આત્મનિર્ભરતાની સાથે વેસ્ટ એટલે કે કચરાનો પણ મહત્વપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે. આજે દેશમાં રિસાઈકલિંગને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આવા જ પ્રયાસોમાં બાયો ઈથેનોલનું પણ નામ જોડાયું છે. તેનાથી અનેક સામાન્ય ખેડૂત પરિવારોને આર્થિક ફાયદો થવા સાથે ફ્યુઅલ સેકટરમાં અન્ય દેશો પર નિર્ભર રહેવું નહીં પડે અને દેશના અર્થતંત્રમાં નવી ઊર્જા, નવી ગતિનો સંચાર થશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ફ્યુઅલના વધુ પડતા વપરાશથી ક્રુડ ઓઇલની આયાત થકી મોટું વિદેશી હુંડિયામણ ચુકવવું પડે છે અને અર્થતંત્ર પણ અસર પડે છે, સાથોસાથ ઔદ્યોગિક વિકાસના કારણે સતત વધતા ઇંધણના ઉપયોગથી પર્યાવરણ પર પણ વિપરીત અસર થઈ
રહી છે. કૃભકોના હજીરા પ્લાન્ટમાં ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોજેક્ટ ઇંધણમાં આત્મનિર્ભરતાના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બનશે એવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code