ભાવનગરઃ યુરોપીયન યુનિયન દેશોના સમયાવધિ સમાપ્ત થઇ ચૂકેલા જહાજ પસંદગીના દેશોમાં જ ભાંગવા માટે મોકલી રહ્યા છે. ઇ.યુ.ના જહાજોને અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે આકર્ષવા માટે કેન્દ્ર સરકારે કવાયત તેજ બનાવી છે. આગામી સપ્તાહમાં ઇ.યુ.નું ડેલિગેશન અને નવ દેશોના રાજદૂતોની પરિષદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. પરિષદના બીજા દિવસે UEનું પ્રતિનિધિ મંડળ અલંગની મુલાકાત લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના અલંગના શીપ યાર્ડમાં વિદેશથી વધુને વધુ શીપ ભંગાવવા માટે આવે તે માટે કેન્દ્ર સરકારે પણ પ્રયાસો હાથ ધર્યા છે. આ માટે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં UEના પ્રતિનિધિ મંડળ, નવ દેશોના રાજદૂતો, અને ગુજરાતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તા.12મી સપ્ટેમ્બરના રોજ શિપ રીસાયકલિંગ અંગેની ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સ યોજાશે. જેમાં કેન્દ્રીય શિપિંગ મંત્રાલય, વન-પર્યાવરણ મંત્રાલય, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, 9 દેશોના રાજદૂતો તથા યુરોપિયન યુનિયનનું ડેલિગેશન, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના હોદ્દેદારો સાથે શિપબ્રેકિંગ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર અલંગ શિપબ્રેકિંગ યાર્ડની ક્ષમતા આગામી બે વર્ષમાં બમણી કરવાની દિશામાં ધીમી છતા મક્કમ ગતિએ આગળ ધપી રહ્યા છે. યુરોપીયન યુનિયનના દેશો પાસે દુનિયાના કુલ શિપ પૈકી 40 ટકા જથ્થો છે, અને તેઓ ગ્રીન શિપ રીસાયકલિંગ, હોંગકોંગ કન્વેન્શનનો અમલ કરતા દેશોમાં પોતાના જહાજ ભાંગવા માટે મોકલે છે. પરંતુ દક્ષિણ એશિયાના દેશોમાં જહાજ મોકલી રહ્યા નથી. વર્ષ 2019માં શિપ બ્રેકિંગ એક્ટ બનાવવામાં આવ્યો છે, તે પૂર્વે અલંગ ખાતેના 105 શિપબ્રેકિંગ પ્લોટ એચકેસી ની આવશ્યક્તા મુજબના થઇ ચૂક્યા છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરની તમામ સવલતો ધરાવે છે. તેથી હવે ઇ.યુ.ના જહાજો અલંગમાં લાવવા માટે સરકાર પ્રયાસરત છે. તા.13 સપ્ટે.ના રોજ મુલાકાતી પ્રતિનિધિ મંડળ અલંગ શિપબ્રેકિંગ યાર્ડની મુલાકાત લેશે, અને અલંગમાં કેવા સુધારા કરવામાં આવ્યા છે, કેવી સવલતો છે, કાર્યપધ્ધતિ કેવી છે તેના વિષે જાણકારી મેળવી અને રિપોર્ટ તૈયાર કરશે.આમ 13મીએ મળનારી બેઠક અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જેમાં અગત્યના નિર્ણયો લેવાશે.