વાવાઝોડાના સંકટ વચ્ચે 8 જિલ્લામાં 95 હજાર લોકોનું સ્થળાંતર, વન્ય જીવોની સુરક્ષાનું પણ આયોજન
અમદાવાદઃ રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે 9 થી 10 કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ 115-125 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. વાવાઝોડાની માત્ર ગતિ ઘટી છે પરંતુ સંકટ હજુ ટળ્યું ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સંપૂર્ણ તૈયારીઓ કરી તકેદારી રાખવામાં આવી રહી છે. રાહત કમિશનરએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં 4864, કચ્છમાં 46823, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10749, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 મળી કુલ 94427 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ અને વરસાદમાં વધારો થશે. સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા આ 8 જિલ્લાના 88 તાલુકાઓમાં ગત ત્રણ દિવસ દરમિયાન કુલ 2248 એમ.એમ વરસાદ નોંધાયો છે. આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાયા બાદ તા 16 જૂનના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પરિણામે સંબંધિત જિલ્લા તંત્રને પૂર્વ તૈયારીઓ કરી લેવા દિશાનિર્દેશો અપાયા છે. તેમણે ઉમેર્યું કે, સંભવિત વાવાઝોડાના પરિણામે જનજીવન ઉપરાંત વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થઇ શકે છે. વન્યજીવોની સુરક્ષા-સલામતીને ધ્યાને લઇ વન વિભાગ દ્વારા 180 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ ઢોર ઢાંખર ખુલ્લા રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ સંભવિત વાવાઝોડાથી અસરગ્રસ્ત થનારા જિલ્લાઓમાં વરસાદ કે ભારે પવનને કારણે વીજપૂરવઠો ખોરવાઇ જાય તો લોકોને પીવાનું પાણી સરળતાએ મળી રહે તે માટેની વ્યવસ્થાઓ પાણી પૂરવઠા વિભાગે ગોઠવી છે. પાણી પૂરવઠાને વિપરીત અસર ન પડે અને વોટર સપ્લાય ચાલુ રહે તે માટે કુલ મળીને 25 જેટલા જનરેટર સેટ કચ્છ, દ્વારકા અને જામનગરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. એેટલું જ નહિ, પાંચ ડિઝલ જનરેટર સેટ મોરબીમાં બેકઅપ તરીકે તૈયાર રાખવામાં આવ્યા છે. એક ચીફ ઇજનેરને કચ્છમાં મોકલવામાં આવ્યા છે તેમજ અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓને મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર ખાતે ફરજ સોંપવામાં આવી છે.
આ ઉપરાંત વૃક્ષો ધરાશાઈ થાય તો તેને ખસેડીને રસ્તાઓ પુનઃ કાર્યરત કરવા માર્ગ અને મકાન વિભાગની ટીમોને જરૂરી મશીનરી અને ડીઝલ જનરેટર સાથે તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં વૃક્ષ ધરાશાયી થવાની 400 ઘટનાઓ નોંધાઈ છે, તે તમામ વૃક્ષોને હટાવીને રસ્તાઓને ચાલુ કરી દેવામાં આવ્યા છે. રાહત કમિશનરએ કહ્યું કે, સંભવિત વાવાઝોડાને પરિણામે સંદેશા વ્યવહારને અસર ન પડે તે માટે મોબાઇલ ઓપરેટર્સ ઇન્ટ્રાસર્કલ રોમિંગની સુવિધા સાથે સજ્જ છે. આ ઉપરાંત સેટેલાઇટ ફોન્સ, વાયરલેસ નેટવર્કનો પણ જરૂર જણાયે ઉપયોગ થઇ શકે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તેમણે NDRF, SDRF અને પોલીસ તથા વહીવટીતંત્ર સૌ સાથે મળીને આ સંભવિત વાવાઝોડાથી ઓછામાં ઓછું નુકશાન થાય તેવા પૂરતા સહિયારા પ્રબંધનથી કાર્યરત છે તેમ પણ ઉમેર્યુ હતું. આ ઉપરાંત દરિયાકાંઠાના લગભગ 442 ગામમાં એલર્ટ આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે.