ધો.10-12ના રિપિટર્સ પરીક્ષાર્થીઓના ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી તા.1થી ઓગસ્ટથી શરૂ કરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં આ વર્ષ કોરોનાને કારણે ધો. 10 અને 12ના નિયમિત વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જ્યારે બોર્ડના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા પૂર્ણ થતાં હવે આગામી તા. 1લી ઓગસ્ટથી ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરા શરૂ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ના રિપિટર પરીક્ષાર્થીઓની ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બોર્ડ દ્વારા નિયત સમય મર્યાદામાં રિપિટર વિદ્યાર્થીઓનું પરિણામ આપી દેવાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો. 10 અને 12ના રીપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા આજે પૂર્ણ થતા આગામી તા. 1થી પેપરોની તપાસણી શરૂ કરવામાં આવનાર છે. જેમાં ધો.12ના વાણિજય વ્યવસ્થાના પેપરોની તપાસણી અમથીબા હાઇસ્કુલ તેમજ વિજ્ઞાન પ્રવાહના બાયોલોજીના પેપરોની તપાસણી સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં તેમજ ધો.10ના અંગ્રેજીના પેપરોની તપાસણી ગોંડલની ગંગોત્રી સ્કુલના મૂલ્યાંકન કેન્દ્ર પર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. પેપરોની તપાસણી માટે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકોના ઓર્ડર કાઢવામાં આવી રહ્યા છે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર-જિલ્લામાં ધો.10 અને 12ની રીપીટર્સની પરીક્ષામાં 18640 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.આ પરીક્ષા આજે પૂર્ણ થતા હવે તા. 1થી પેપરોની તપાસણી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવનાર છે.