Site icon Revoi.in

હવામાનમાં હળવા દબાણને લીધે તાપમાનમાં ઘટાડો પણ શનિવારે ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે

Social Share

અમદાવાદઃ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી આજે બુધવારે અમદાવાદ સહિત રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વાતાવરણ વાદળછાંયુ બનતા લોકોએ ગરમીમાંથી છૂટકારો મેળવ્યો હતો.  અમદાવાદ શહેરમાં પ્રતિ કલાક 13થી 14 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે શુક્રવાર સુધીમાં હવામાનમાં સર્જાયેલુ હળવું દબાણ ઓસરી જતાં શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.

અમદાવાદમાં આજે બુધવારે વહેલી સવારથી બપોરના 1 વાગ્યા સુધી વાદળિયા વાતાવરણ વચ્ચે 13થી 14 કિલોમીટરની ગતિના ઠંડા પવનો ચાલુ રહ્યાં હતા. તેના લીધે ગરમીમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી હતી.  આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે. પરંતુ, 25 માર્ચ બાદ ફરીથી ગરમીમાં બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં જે સવારથી જ વાદળિયા વાતાવરણને લીધે મોટાભાગના શહેરોમાં ગરમીથી રાહત રહી હતી. કંડલા એરપોર્ટ, કેશોદ અને ભાવનગરને બાદ કરતાં તમામ શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયા હતો. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ સાથે ઠંડા પવનો ચાલુ રહેતાં ગરમીથી રાહત રહેશે. ત્યારબાદ ક્રમશ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનમાં ક્રમશઃ વધારો થયો હતો અને તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો, પણ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનને લીધે દેશના પશ્વિમ ભાગમાં વાતાવરણ વાદળછાંયુ બન્યું હતું. તેના લીધે લોકોએ ગરમીમાંથી થોડા રાહત અનુભવી હતી.જોકે શનિવારથી ફરીવાર તાપમાનમાં વધારો થવાની શક્યતા છે