ધો. 12ના A- ગૃપના તમામ વિદ્યાર્થીઓને ઈજનેરીમાં પ્રવેશ અપાય તો પણ 26 હજાર બેઠકો ખાલી રહે
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઈજનેરી શાખાઓની વિવિધ બ્રાન્ચની બેઠકોમાં વધારો થયો છે. અને દર વર્ષે પ્રવેશના ત્રણથી ચાર રાઉન્ડ યોજાયા બાદ પણ હજારોની સંખ્યામાં બેઠકો ખાલી રહી છે. આ વર્ષે એટલે કે, વર્ષ 2023-24ના નવા શેક્ષણિક સત્રમાં પણ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના એ ગૃપના પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ પવામાં આવે તો પણ 26 હજારથી પણ વધુ બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિતના પેપરમાં 1800 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા, જેથી હવે ધો.12 સાયન્સમાં રેગ્યુલર, રિપીટર વિદ્યાર્થી મળીને કુલ 40 હજાર વિદ્યાર્થી રહ્યા છે. જો બોર્ડની પરીક્ષામાં આ તમામ વિદ્યાર્થીઓ પાસ થાય અને તમામ વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં જાય તોપણ રાજ્યમાં એન્જિનિયરિંગની કુલ 66 હજાર સીટ સામે પ્રવેશ પહેલાં જ 26 હજાર સીટ ખાલી રહેશે. પ્રધ્યાપકોના કહેવા મુજબ, ડિપ્લોમા અને સ્ટાન્ડર્ડ-બેઝિક ગણિતના વિકલ્પ આપવાને કારણે ધો.12માં એ ગ્રુપમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. ઉપરાંત મેડિકલ અને પેરા મેડિકલમાં નોકરીની તકો સારી હોવાને લીધે વિદ્યાર્થીઓ હવે બી ગૃપને વધુ પસંદ કરી રહ્યા છે. છેલ્લા વર્ષોમાં એલોપેથી, આયુર્વેદ અને હોમિયોપથી, તેમજ લેબ ટેકનિશિયનથી લઈને નર્સિંગની બેઠકોમાં વધારો થવાથી વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળી જાય છે. આ બધા કારણોને લીધે ઈજનેરીનો ક્રેઝ ઘટતા હવે મોટાભાગના વિદ્યાર્થીઓ એ-ગૃપની પસંદગી કરતા નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ બાદ નોકરીની તકો પણ ઘટી છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ- સાયન્સને બાદ કરતાં. ગ્રામીણ વિસ્તારની કોલેજોમાં વિદ્યાર્થીને ઇન્ટર્નશિપની પણ સમસ્યાઓ ઊભી થાય છે, જેથી તેઓ શહેરની એન્જિનિયરિંગ કોલેજને જ પહેલી પસંદ કરે છે. આ પહેલાં વર્ષ 2022-23માં પણ રાજ્યમાં એન્જિનિયરિંગની 45 ટકાથી વધારે સીટ ખાલી રહી હતી. બીજી તરફ રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓ જે બ્રાન્ચમાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે એની સીટોમાં વધારો કરે છે, જેથી બાકીના વિદ્યાર્થીઓને પણ પોતાની પસંદગીની બ્રાન્ચ મળતી હોવાથી તેઓ અન્ય એન્જિનિયરિંગ કોલેજોમાં જતા નથી.