અમદાવાદના મેયર બન્યાં બાદ પણ કિરિટ પરમાર સાદગીથી રહેશે
અમદાવાદઃ શહેરમાં મેયર તરીકે પસંદગી પામેલા ભાજપના કિરિટ પરમાર હાલ બાપુનગરની એક ચાલીમાં છાપરાવાળા મકાનમાં રહેશે. જો કે, મેયર બન્યાં બાદ પણ સામાન્ય જીવન જીવતા કિરિટભાઈ પરમારે મેયર બંગલામાં રહેવાની જગ્યાએ ચાલીમાં પોતાના છાપરાવાળા મકાનમાં જ રહેવાનો નિર્ણય લીધો હોવાનું ચર્ચાય રહ્યું છે. કિરિટભાઈ પરમારના આ નિર્ણયથી બાપુનગરની ચાલીના સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. અગાઉ ભાજપના જ મેયર કાનાજી ઠાકોર પણ મેયર બંગલામાં રહેવાનું ત્યાગીને એક રૂમમાં મકાનમાં રહેતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના મેયર કિરિટભાઈ પરમાર બાપુનગરમાં વિરા ભગતની ચાલીમાં છાપરાવાળા મકાનમાં રહે છે. તેમના આ મકાનમાં જીવન જરુરી વસ્તુઓ સિવાય અન્ય કોઈ સુખ સુવિધાઓ ઉપલબ્ધ નથી. બીએ સુધીનો અભ્યાસ કરનારા કિરિટભાઈ પરમાર 23 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. તેમજ વર્ષોથી જરુરીયાતમંદ લોકોની મદદ કરતા આવ્યાં છે. હવે મેયર બન્યાં બાદ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા બંગલા સહિતની સુવિધાઓને ત્યાંગીને પોતાના છાપરાવાળા મકાનમાં જ રહેવાનો તેમણે નિર્ણય કર્યો છે.
અમદાવાદના મેયર બન્યાં બાદ તેમણે જણાવ્યું હતું કે, હું સામાન્ય પરિવારમાંથી આવું છું અને ચાલીમાં રહું છું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશનના વિકાસના કામો નાનામાં નાના વર્ગ સુધી પહોંચાડવામાં આવશે. એટલું જ નહીં વિવિધ યોજનાઓ ગરીબોના ઘર સુધી પહોંચાડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મેયરને રહેવા માટે આલીશાન બંગલો આપવામાં આવે છે. પૂર્વ મેયર બિજલ પટેલે કરોડોના ખર્ચે બંગલામાં રિનોવેશન કરાવ્યું હતું.