દિવાળી પછી પણ ગુજરાત યુનિની પ્રથમ વર્ષ બીએ,બીકોમની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ નથી થઈ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં દિવાળી બાદ પણ પ્રથમ વર્ષ બીએ,બીકોમની પ્રવેશ પ્રકિયા પૂર્ણ થઈ નથી. યુનિ. દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં ઓફલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઓફલાઈન પ્રક્રિયામાં યુનિવર્સિટીએ કોલેજોને એડમિશન આપવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ BA અને B.COMમાં સીટો વધારવામાં આવી હતી. આ વધારવામાં આવેલી સીટો માટે આજે મંગળવારથી ફરીવાર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોલેજોમાં દિવાળીનું વેકેશન હોવા છતાં એડમિશન માટેની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હોવાનું યુનિના સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની માંગણીઓ વધતાં BA અને BCOMમાં કોલેજ દીઠ 20 સીટોનો વધારો આપવામાં આવ્યો હતો. વધારાની સીટ દિવાળી અગાઉ આપવામાં આવી હતી. પરંતુ દિવાળીનું વેકેશન શરૂ થતાં કોલેજો બંધ રહી હતી. વેકેશનમાં પણ કોલેજોને પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવા માટે યુનિવર્સિટી દ્વારા સૂચના આપવામાં આવી હતી. પરંતુ દિવાળીના પર્વની શરૂઆતની રજાઓ બાદ હવે કોલેજોમાં ફરીવાર એડમિશન આપવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ થી વંચિત રહેલા વિદ્યાર્થીઓના કોલેજ દ્વારા બપોરે 12 વાગ્યા સુધી ફોર્મ લેવામાં આવે છે. ફોર્મ લઈને મેરીટ જાહેર કરવામાં આવશે અને મેરીટના આધારે કોલેજ દ્વારા પ્રવેશ આપવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા લાંબી ચાલી છે. 2 રાઉન્ડ બાદ પણ અનેક્ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હતા. જેથી બીએ અને બી કોમમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજ દીઠ 20 બેઠક વધારવામાં આવી હતી. પરંતુ BBA-BCAમાં પણ હજુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. જેથી યુનિવર્સિટી દ્વારા BBA-BCAમાં પણ બેઠક વધારવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા બીકોમ અને બીએ માટે કોલેજ દીઠ 20 બેઠક વધારવામાં આવી હતી, પરંતુ BBA-BCAમાં હજુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે કોલેજમાં જગ્યા ના હોવાથી વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યાં છે. હાલ તો બીએ બી કોમની બેઠકમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે BBA- BCAની બેઠકમાં પણ વધારો કરવામાં આવશે. BBA-BCAની 14 કોલેજમાં બેઠકમાં વધારો આપવામાં આવશે. BBAની 5 અને BCAની 7 કોલેજમાં 60 બેઠક વધારા માટે પ્રવેશ સમિતિએ નીડ કમિટીને જાણ કરી છે, જેથી નીડ કમિટીએ બેઠક વધારાની તૈયારી કરીને કોલેજના નામનું પત્રક કુલપતિ પાસે મોકલાવ્યું છે. કુલપતિની મહોર લાગ્યા બાદ બેઠકમાં વધારાની જાહેરાત કરવામાં આવશે.