Site icon Revoi.in

પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા બાદ માફી પણ માગી છતાંયે હજુ વિવાદ શમતો નથી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજ વિશે કંઈક ઉચ્ચરણો કર્યા બાદ વિરોધ ઊભો થયો હતો. જો કે વિરોધને પગલે તેમણે માફી માગીને દિલગીરી પણ વ્યક્ત કરી હતી. છતાંયે હજુ પણ વિવાદ શમવાનું નામ લેતો નથી. ક્ષત્રિય સમાજના આગેવાનો રૂપાલાને પાઠ ભણાવવા તૈયાર થયા છે, બીજીબાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે ડેમેજ કન્ટ્રેલનો આખોયે મામલો હાથમાં લીધો છે. અને પક્ષના ક્ષત્રિય નેતાઓને પણ કામે લગાડ્યા છે. દરમિયાન પરશોત્તમ રૂપાલા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાતા ચૂંટણી પંચે સબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ આપ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રુપાલા તેમજ પોરબંદરની લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા સામે પણ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરષોત્તમ રૂપાલાનાં ચોક્કસ સમાજ બાબતે કરેલા નિવેદનને લઈ ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે મનસુખ માંડવિયાએ સહકારી બિલ્ડીંગમાં કરેલી સભા મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી આપી છે. આ મામલે સબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓ ફરિયાદ સબંધે કાર્યવાહી કરશે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા આગળની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના રાજકોટની લોકસભાની બેઠક પર ભાજપે પરશોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. રૂપાલાની ઉમેદવારી સામે ક્ષત્રિય સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે. તેની પાછળ રૂપાલાનું એક નિવેદન જવાબદાર છે. ક્ષત્રિય સમાજના વિરોધથી રૂપાલાની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ પરશોત્તમ રૂપાલા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ચૂંટણી પંચે સબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ આપ્યો છે. જો તેમના નિવેદનમાં વિવાદાસ્પદ જણાય તો આ અંગે ચૂંટણી પંચને જાણ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીને સૂચના અપાઈ છે. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી વાયરલ વીડિયો અંગે પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ‘મેં વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે. મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો, તેમ છતાં મારા નિવેદન થકી કોઈની લાગણી દુભાતી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગું છું. આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.