Site icon Revoi.in

ગણેશોત્સવ પહેલા જ વિધ્નહર્તાની મૂર્તિઓના ભાવમાં 40થી 50 ટકા જેટલો વધારો

Social Share

અમદાવાદઃ મોંઘવારી રોજ-બરોજ વધતી જ જાય છે. જેમાં ગણેશોત્સવ પહેલા વિધ્નહર્તાની મૂર્તિઓના ભાવમાં 40થી 50 જેટલો વધારો થયો છે. શહેરના ગુલબાઇ ટેકરા ખાતે આગામી ગણેશોત્સવને લઇને ગણેશજીની મૂર્તિઓ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ચાલુ વર્ષે દરેક ચીજોમાં થયેલા વધારાની અસર ગણપતિની મૂર્તિકારો પર પણ પડી રહી છે. અહીં દરેક મૂર્તિકારો પોતાની રીતે તથા કસ્ટમાઇઝ મૂર્તિ બનાવી આપે છે ત્યારે આ વર્ષે ભાવમાં ઓછામાં ઓછા 40-50 ટકા જેટલો ભાવ વધારો કરાયો હોવાનું મૂર્તિકારો કહી રહ્યા છે.
શહેરના ગુલબાઇ ટેકરા ખાતે આશરે 50થી 80 જેટલા મૂર્તિકારો પોતાની રીતે ગણેશજીની મૂર્તિઓ બનાવે છે ગ્રાહકો કહે તેમ કસ્ટમાઇઝ મૂર્તિ બનાવવા માટે પણ જાણીતા છે. સામાન્ય રીતે મૂર્તિકારો આ લાઇનના કારીગરોને પશ્ચિમ બંગાળમાંથી બોલાવે છે. પરંતુ ચાલુ વર્ષે મોંઘવારીને કારણે તેમજ ગણેશજીની મૂર્તિ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસથી લઇને કલર સુધી એમ દરેકમાં થયેલા તાતિંગ ભાવ વધારાથી ગ્રાહકોને વધુ ભાવ ચૂકવવાની નોબત આવશે. ગુલબાઇ ટેકરા સ્થિત એક મૂર્તિકારે જણાવ્યું હતુ કે ગણેશજીની મૂર્તિ બનાવવા માટે ગંગા માટીનો ઉપયોગ થાય છે તે લાવવા માટે હવે વાહનવ્યવહાર ખર્ચ વધી ગયો છે. બે વર્ષ અગાઉ વાહન વ્યવહાર ખર્ચ રૂ. 65 હજાર થતો હતો તે આજે રૂ. 1 લાખની આસપાસ થાય છે. જ્યારે તેમાં વપરાતી ઘાસની એક ગાંસડીનો ભાવ પાછલા વર્ષે રૂ. 1500 હતા તે વધીને રૂ. 2 હજાર થયા છે. આમ કારીગરોના પગાર સાથે અન્ય ખર્ચ કાઢવો મુશ્કેલ છે.

આ ઉપરાંત અમદાવાદમાં હાટકેશ્વર તેમજ ભાઇપુરામાં પણ મોટા પાયે ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે ગણેશજીની પ્રતિમાની ઊંચાઇનો પ્રતિબંધ હટાવી લીધો છે, પરંતુ હવે દોઢ મહિનો જ બાકી રહ્યો હોવાથી મોટી પ્રતિમા બનાવીએ તો પણે તેને સૂકવવાનો પ્રશ્ન આવશે. હાલમાં વરસાદી માહોલમાં મૂર્તિ સૂકવવાની ઘણી મુશ્કેલી હોય છે. ગુલબાઇ ટેકરામાં જેમાં ગણેશોત્સવ નજીક આવતો જાય છે તેમ અનેરો ઉત્સાહ જોવા મળે છે. દરેક ઝૂંપડામાં સવારથી રાત સુધી નાનાથી લઇને મોટા સુધી દરેક ગણેશજીની મૂર્તિ બનાવવામાં વ્યસ્ત હોય છે.

શહેરમાં ગણેશોત્સવ દરમિયાન ઘેર ઘેર ગણેશજીનું સ્થાપન કરવામાં આવતું હોય છે.  શહેરમાં પૂર્વથી લઇને પશ્ચિમ સુધી અનેક પંડાળો ઊભા કરવામાં આવે છે. જેમાં નાના મોટી ગણેશની પ્રતિમા હોય છે. ચાલુ વર્ષે સરકારના નિયંત્રણોના અભાવે પંડાળ માલિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.