અમદાવાદ-બોટાદ વચ્ચેની બ્રોડગેજ ટ્રેન શરૂ થાય તે પહેલા જ નવા બનાવેલા સ્ટેશનો તૂટવા લાગ્યા
અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ – બોટાદ રેલવે લાઇનને મીટરગેજમાંથી બ્રોડગેજમાં બદલવાનું કામ ચાલી રહ્યું છે, આ રૂટની કામગીરી લગભગ અંતિમ તબક્કામાં છે. હાલમાં ટ્રેક અને સિગ્નલ સિસ્ટમ સહિત આ રૂટ પર આવતાં સ્ટેશનોના નિર્માણની કામગીરી પણ અંતિમ તબક્કામાં છે, પરંતુ ધોળકા સહિત અન્ય સ્ટેશનો તેમ જ અન્ય કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયેલી કામગીરી ખૂબ જ હલકી કક્ષાની હોવાથી આરસીસી બાંધકામ પણ તૂટવાની સાથે સ્ટેશન પર લગાવેલા પથ્થરો નીકળી ગયા છે. આ કામગીરીમાં ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાની કામગીરી કરવાની સાથે મોટા પાયે કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસની ડીઆરએમ સમક્ષ માગણી કરાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-બોટાદ વચ્ચેની મીટર ગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે. જેમાં રેલવે સ્ટેશન પણ નવા બનાવવામાં આવ્યા છે. પણ રેલવે સ્ટેશનના બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદો ઊઠી છે. હાલ ધોળકા સ્ટેશનના પ્લેટફોર્મ પર પથ્થર લગાવવાની સાથે આરસીસીની કામગીરી ચાલી રહી છે. સામાન્ય રીતે આરસીસીની કામગીરીમાં પ્લેટફોર્મ પર ત્રણ લેયર હોવા જોઈએ, પરંતુ અહીં ફક્ત એક જ લેયરમાં કામગીરી કરાઈ છે. જ્યારે ફાઉન્ડેશનમાં લગાવેલા પથ્થરો નીકળી ગયા છે. તેની સાથે જ આરસીસી મટિરિયલ તૈયાર કરવા ઉપયોગમાં લેવાતા કોંક્રિટ, સિમેન્ટ, રેતી સહિત અન્ય મટિરિયલને યોગ્ય પ્રમાણમાં ઉપયોગમાં વપરાયું નથી. જેના પગલે આ રૂટ શરૂ થતાં પહેલાં જ આરસીસી કામ નબળું પડવાથી તૂટવા લાગ્યું છે. આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે. ભાવનગરના રેલવેના ડિવિઝનલ મેનેજર આ અંગે તટસ્થ તપાસ કરાવે તેવી માગ ઊઠી છે.