Site icon Revoi.in

ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ છત્રીઓ બનાવતા કારીગારોને સારા ઓર્ડર મળવા લાગ્યા

Social Share

સુરતઃ ગજરાતમાં ઘણાબધા પરિવારો સીઝનલ ધંધા સાથે સંકળાયેલા છે. સીઝન પ્રમાણે ધંધો કરીને વર્ષની કમાણી કરી લેતા હોય છે. અમદાવાદ અને સુરતમાં અનેક પરિવારો છત્રીઓ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. રાજ્યમાં ચોમાસા પહેલા જ છત્રીઓ બનાવવાનો ઉદ્યોગમાં તેજી આવી છે. જો કે આ વખતે તમામ પ્રકારના કાચામાલમાં થયેલા ભાવવધારાને કારણે છત્રીઓની વિવિધ પ્રોડક્ટ મોંઘી બની રહી છે. છત્રીઓમાં  પણ 20 ટકા જેટલો ભાવવધારો નોંધાયો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે ગ્રાહકોએ વધારાના ખર્ચાઓ પર કાપ મૂક્યો હતો. આ વખતે મોંઘવારી વધી છે છતાં ગ્રાહકો ખરીદી કરે તેવી આશા વચ્ચે મોટા હોલસેલરોને અત્યારથી છત્રીના સારા ઓર્ડર મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ડબગરવાડમાં છેલ્લા ત્રણ દાયકાથી છત્રી બનાવવાનું કામ કરતાં ઉત્પાદકે કહ્યું હતું કે,  કાપડ, સળિયાં, ધાતુની નળી તેની ચાપ, હાથો વગેરેનો ઉપયોગ કરીને છત્રીઓ બનાવવામાં આવે છે.  ભારે વજનવાળી છત્રી લોકો ઉંચકવામાં મુશ્કેલી આવતી હોવાથી હલકા વજનની છત્રી બનાવીએ છીએ. મહિલાઓ સરળતાથી તેને પર્સમાં મૂકી શકે. રૂા. 100 થી 300ની એવરેજ કિંમતની છત્રીનું વધુ વેચાણ થાય છે, આમ છતાં યુવાઓ રૂા. 300 થી 1500ની કિંમતની રંગબેરંગી છત્રીઓ ખરીદતા હોય છે.
શહેરમાં છત્રીઓ બનાવતા અન્ય એક ઉત્પાદકે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના કારણે છત્રીઓ બનાવવાના ધંધાને પણ અસર પહોંચી હતી. આ વર્ષે વરસાદ સારો આવશે તો છત્રીના વેચાણમાં વધારો થશે. છત્રી બનાવવાની મજૂરીથી લઇને ચાલુ વર્ષે છત્રીના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. રૂા. 50ની કિંમતની છત્રીના હવે રૂા. 70 થી 80માં વેચાણ કરીશું. જૂનના પ્રથમ સપ્તાહથી વરસાદી માહોલ સારો બનશે. જેથી વેચાણ વધશે તેવી આશા છે.
શહેરના ડબગરવાડમાં ગૃહ ઉદ્યોગની જેમ છત્રીઓ બનાવતા એક નાના ઉત્પાદકે કહ્યું હતું કે, અમે નાની અને મોટી છત્રી બનાવીને વેચાણ કરીએ છે. છત્રી બનાવવા માટેની સાધન-સામગ્રીના ભાવ વધ્યા છે. છેલ્લા બે વર્ષથી સીઝન નિષ્ફળ જવાને લીધે ઘણા વેપારીઓ પાસે જૂનો સ્ટોક પડ્યો છે. છત્રી બનાવવાની મજૂરી અને કાચામાલના ભાવમાં વધારો થતા છત્રીનો ભાવ વધ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉનાળા દરમિયાન રોડ સાઇડ અને હાથ લારી પર શાકભાજીનું વેચાણ કરનાર મોટી છત્રી ખરીદતા હોય છે. કોરોના નિયંત્રણો વખતે આ છત્રીનું વેચાણ ઘટ્યું હતું. જો કે આ વર્ષે ઉનાળામાં મોટી છત્રીનું વેચાણ વધ્યું છે તેમજ રીપેરીંગ કામમાં પણ વધારો થયો છે. તેમજ આ વર્ષે અમને ચોમાસુ છત્રીના વેચાણમાં વધારો થવાની અપેક્ષા છે. હોલસેલમાં સારા બુકીંગની આશાએ રીટેઇલમાં સારી ઘરાકી નીકળશે તેવો આશાવાદ છે. (file photo)