અમદાવાદઃ શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા છારોડી ખાતે મ્યુનિ. કોર્પોરેશને રૂપિયા 5.26 કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન કર્યું છે. છારોડી તળાવનું રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. છારોડીનું તળાવ લોકો માટે આકર્ષકરૂપ બની રહે તા માટે તળાવની ચારે તરફ રોશની પણ કરવામાં આવી છે. તા.21મી મેના રોજ રવિવારે લોકાર્પણના દિવસે તળાવ ભરેલું દેખાય તે માટે મ્યુનિ.એ નર્મદામાંથી બારોબાર 35 કરોડ લિટર (350 એમએલડી) પાણી તળાવમાં ઠાલવ્યું છે. હાલ નર્મદાના નીરથી તળાવ છલોછલ ભરાયેલું જોવા મળી રહ્યું છે.
અમદાવાદના વૈશ્નોદેવી સર્કલ નજીક છારોડી નજીક તળાવ આવેલું છે. આ તળાવના બ્યુટિફિકેશન પાછળ મ્યુનિ.કોર્પોરેશને સવા પાંચ કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કર્યો છે. આ તળાવનું લોકાર્પણ કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ એવા અમિત શાહના હસ્તે આગામી તા.21મીને રવિવારે કરાશે. ત્યારે તળાવનો સુંદર નજારો માણી શકાય તે માટે નર્મદાના નીરથી તળાવને છલોછલભરી દેવામાં આવ્યું છે. પરંતુ હકિકત એ છે કે, આ પાણી તળાવમાં માંડ બે દિવસ જ રહેશે. પછી આ તળાવ પણ સૂકાઈ જશે. વરવી વાસ્તવિક્તા એ છે કે, અમદાવાદમાં આવા 122 તળાવ કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફિકેશન માટે બનાવી દીધા છે. પરંતુ એક પણ તળાવમાં આજે પણ પાણી નથી. સરખેજ રોજા, વસ્ત્રાપુર લેક, સહિતના તળાવો બનાવાયા ત્યારે લેક ડેવલપમેન્ટની જાહેરાતો કરવામાં આવી હતી.. કમનસીબી તો એ છે કે, વસ્ત્રાપુર તળાવમાં તત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોટિંગની પણ શરૂઆત કરાવી હતી. આજે આ તળાવ ખાલીખમ છે.
સૂત્રોના કહેવા મુજબ અમદાવાદની જમીન રેતી વાળી હોવાને કારણે પાણી ઝડપથી જમીનમાં ઉતરી જાય છે. જ્યાં સુધી તળાવોનું નવું તળિયું બનાવવામાં ન આવે ત્યાં સુધી શહેરના એકપણ તળાવમાં પાણી રહે તેવી સ્થિતિ નથી.