Site icon Revoi.in

પ્રમોશન મળવાનું હતું તેના પહેલા જ સુરતના ફાયર ઓફિસર લાંચ લેતા પકડાયા

Social Share

સુરતઃ રાજ્યમાં લાંચમાં પકડાવવાના કિસ્સા વધતા જાય છે. બે દિવસ પહેલા જ સુરત ફાયર બ્રીગેડ  વિભાગના ફાયર અધિકારી બેચર સોલંકી રૂપિયા 30 હજારની લાંચ લેતા પકડાયા હતા.  કહેવાય છે કે, 30 હજારની લાંચ લેતા પકડાયેલા બેચર સોલંકી નો પગાર પણ 80 હજાર રૂપિયા હતો. એટલું જ નહીં જે દિવસે તેઓ લાંચના છટકામાં પકડાયા તેના બીજા દિવસે તેઓ ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે બઢતી પામવાના હતા. આ વાતથી તેઓ માહિતગાર પણ હતા. પરંતુ તેમ છતાં તેઓએ લાંચ માંગી હતી. અને આખરે એસીબીના છટકામાં તેઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. તેઓ ડિવિઝનલ ઓફિસર તરીકે બઢતી પામે તેના ગણતરીના કલાકો પહેલા જ તેમને પકડી પાડવામાં આવ્યા હતા. તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ફાયર બ્રીગેડના અધિકારી 30 હજારની લાંચ લેતા સીવીના હાથે પકડાઈ ગયા હતા. એસીબીની આ ટ્રેપના બીજા જ દિવસે જાહેર થયેલા ડિવિઝનલ ઓફિસરના ઓર્ડરમાં 4 પૈકી 2 વ્યક્તિઓને જ ડિવિઝનલ ઓફિસર તરીકે બઢતી આપવામાં આવી હતી. મ્યુનિ.કોર્પોરેશનએ કુલ ચાર ફાયર ઓફિસર પૈકી ઈશ્વર પટેલ અને ઓમપ્રકાશ મિશ્રાને ડિવિઝનલ ઓફિસર તરીકે બઢતી આપી છે. જયારે ફાયર ઓફિસર બી.કે.સોલંકી સામે થયેલી એસીબીની કાર્યવાહી બાદ શિક્ષાત્મક પગલાં ભરવા કવાયત શરૂ કરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ.કોર્પોરેશનના મહેકમ ખાતા દ્વારા આ ટ્રેપના  બીજા જ દિવસે 4 ફાયર ઓફિસરને ડિવિઝનલ ઓફિસરની બઢતીની પ્રક્રિયા પર નિર્ણય લીધો હતો. એનઓસી માટે રૂપિયા 30 હજારની લાંચ લેનાર ફાયર ઓફિસર બેચર સોલંકી અને વચેટીયો સચિન ગોહિલને કોર્ટમાં રજૂ કરીને એસીબીએ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીઓ સિવાય અન્ય કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે નહીં તેની તપાસ કરવા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આરોપીઓનો પૂર્વ ઇતિહાસ પણ ચકાસવાનો બાકી હતો. આરોપીઓના નિવેદન પ્રમાણે એનઓસી રીન્યુ કરવાની કે નવી આપવાની સત્તા તેમની પાસે નથી છતાં રિન્યુના બહાને લાંચ માંગવામાં આવી છે. એનઓસીના નામે કોની કોની પાસે રૂપિયા લેવામાં આવ્યા છે, તેની પણ તપાસ કરવાની બાકી છે, આરોપીઓના બેન્ક લોકર, વીમા પોલિસી સહિતની તપાસ કરવાની છે. જેથી સરકાર પક્ષે કરાયેલી દલીલો બાદ કોર્ટ દ્વારા 29 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજુર કરતો હુકમ કરવામાં આવ્યો હતો..