ચૂંટણી પંચના નિર્ણયને શરદ પવાર જૂથ પડકારે તે પહેલા જ અજિત પવાર જૂથે કોર્ટમાં અરજી દાખલ કરી
મુંબઈઃ ચૂંટણી પંચે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને વાસ્તવિક NCP જાહેર કરી છે. પંચના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં શરદ પવારના જૂથે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, વિપક્ષ ટૂંક સમયમાં આ મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ હતી. દરમિયાન અજિત પવાર જૂથે બુધવારે કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી. તેમના વતી એવી માંગણી કરવામાં આવી છે કે, આ મામલે વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી કોઈપણ અરજી પર તેમને પણ સાંભળવામાં આવે.
સુત્રોના જણાવ્યા અનુસાર, છ મહિનાથી વધુ ચાલેલી અને 10 થી વધુ સુનાવણી પછી, ચૂંટણી પંચે NCPમાં વિવાદનું સમાધાન કર્યું હતું તેમજ અજિત પવારના નેતૃત્વવાળા જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હવે NCPનું નામ અને ચૂંટણી ચિન્હ ‘ઘડિયાળ’ અજિત પવાર પાસે રહેશે. આ નિર્ણય પર શરદ પવારના જૂથે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના મહાવિકાસ અઘાડીના ભાગીદાર શિવસેના અને કોંગ્રેસે પણ ચૂંટણી પંચના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં જવાની વાત કરી હતી.
સમગ્ર ઘટનાક્રમને લઈને અજિત પવારે જણાવ્યું હતું કે, લોકશાહીમાં બહુમતીને જ પ્રાથમિકતા આપવામાં આવે છે. લગભગ 50 ધારાસભ્યો અમારી સાથે છે. મોટાભાગના જિલ્લા પ્રમુખો અને પાર્ટી સેલના વડાઓ પણ અમારી સાથે ઉભા છે. અજિત પવારે કહ્યું કે, તેઓ ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કરે છે. ચૂંટણી પંચના આદેશને પડકારતા શરદ પવારના નિવેદન પર અજિત પવારે કહ્યું કે દરેકને આમ કરવાનો અધિકાર છે.