ભાજપના કાર્યકર્તા પણ કંટાળી ગયા છે, કહે છે કે, શું અમારે ફક્ત ગાભા જ મારવાનાઃ શક્તિસિંહનો કટાક્ષ
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે પૂર્વ ધારાસભ્ય નંદકિશોર દવેના આકસ્મિક નિધન બાદ એમનાં પરિવારજનોને સાંત્વના આપવા આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાજપે કામના નામે કારનામાં જ કર્યા છે. હવે તો ખુદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ કંટાળી ગયા છે. જેઓ કહે છે કે અમારે ફક્ત ગાભા જ મારવાના છે, શું અમે ગાભા પાર્ટી છીએ…? ભાજપના કાર્યકર્તાઓ અને મતદાતાનો અવાજ હવે જાગ્યો છે. એ જરૂર આપને પરિણામોમાં પણ જરૂર દેખાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે બે કરોડ નોકરીઓ દર વર્ષે આપવાની ગેરંટી આપી હતી. એમને નોકરીઓ માટેનો ભરતી મેળો કરવો જોઈએ એ તો થતો નથી, કામના નામે કારનામાં કર્યાં છે. એટલે કોંગ્રેસના ભરતી મેળાના નામે લઈ જઈ અને ભાજપ એમના જ કાર્યકરોને હતાશ કરે છે. ભાજપના જ કાર્યકરો હવે એમ કહે છે કે, શું અમારે ખાલી ગાભા જ મારવાના છે. અમે શું ગાભા પાર્ટી જ છીએ. ભાજપ કાર્યકર્તાઓના રોષના કારણે ભાજપે જાહેર કરેલાં ઉમેદવારોનાં નામો બદલવાં પડે છે. ભાજપના કાર્યકર્તાઓ અને મતદાતાઓનો અવાજ હવે જાગ્યો છે. એ જરૂર આપને પરિણામોમાં પણ જરૂર દેખાશે. જે લોકો પાંચ લાખથી વધારે લીડથી જીતવાની વાતો કરતા હોય એના ઉમેદવારોને કહેવું પડે છે કે, તમે ટ્વીટ કરો અને ખસી જાઓ. ભાજપના કાર્યકર્તાઓનો રોષ ખુલ્લેઆમ આવતો હોઇ, આ જ બતાવે છે કે, ભાજપે ગેરંટીઓ આપી હતી, એ તદ્દન ફેલ રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભાજપે યુવાનોને બે કરોડ નોકરીઓ દર વર્ષે આપવાની વાત કરી હતી, એમાં હતી એ પણ ઓછી થઇ ગઇ. ખેડૂતોની આવક બમણી કરીશું, એના બદલે ખર્ચા બમણા થઇ ગયા, કાળું ધન પાછું લાવીશું, એના બદલે કાળું ધન વધી ગયું. 15-15 લાખ રૂ. એકાઉન્ટમાં આવશે, લોકોનાં દેવા વધ્યાં અને લોકોના એકાઉન્ટમાં પણ કાંઈ ના આવ્યું, મોંઘવારી નાબૂદ થશે, એના બદલે 400નો બાટલો 1100 એ પહોંચાડ્યો. એટલે આપેલી ગેરંટીઓમાં ફેલ રહેલી ભાજપ પાર્ટી બેબાકળી બની છે. અને એનાં પરિણામો ભોગવવા પડશે તે નક્કી છે.
શક્તિસિંહે અંતમાં જણાવ્યું હતું કે, મારે સેલ્યૂટ કરવી પડે કોંગ્રેસના એ કાર્યકર્તાઓને જે લાખો અને હજારોની સંખ્યામાં છે, એમને ભાજપ ડરાવી નથી શકતું અને ખરીદી નથી શકતું. આંગળીના વેઢે ગણી શકાય એવા કેટલાક લોકો એમની મજબૂરીનો, ખોટી લાલચ કે કોઈ ધમકીના કારણે થોડા આંગળીના વેઢે ગણી શકાય એવા કેટલાક આમતેમ થયા હશે. એ લોકો પણ મારે ત્યાં હતા. ત્યારે એ સારા હતા અને આજે ગયા, તો એમના વિશે ગાળી ગલોચ કરવી એ મારો સ્વભાવ નથી.