Site icon Revoi.in

ગુજરાતમાં મે મહિના દરમિયાન પણ ગરમી સામાન્ય કરતા બે ડિગ્રી ઓછી રહેશે, માવઠાની શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ અને ચૈત્ર મહિનામાં સમયાંતરે વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઉષ્ણતામાન સામાન્ય કરતા ઓછું નોંધાયું હતું, ત્યારે બાદ વૈશાખ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લીધે ગરમી સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેના પ્રારંભથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. હજુ બે-ચાર દિવસ  માહોલ યથાવત રહેવાની શક્યતા છે.   મે  મહિના દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી નીચું રહેવાની શક્યતા હોવાથી ગરમીમાં પણ ઘટાડો જોવા મળશે. સામાન્ય રીતે મેમાં ગરમીનો પારો 41થી 44 ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે. હાલમાં પાકિસ્તાનની આસપાસ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સરક્યુલેશનમાં પરિવર્તિત થયું છે, જેને કારણે 7થી 8 દિવસો સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ત્યારબાદ મે મહિનાના અંતમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવશે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ ચાલુ મહિના એટલે કે મે મહિના દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2થી 3 ડિગ્રી નીચું રહેવાની પ્રબળ સંભાવના છે. જયારે રાત્રિનું તાપમાન સામાન્ય રહેશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડતાં માવઠાની શક્યતા રહેલી છે. તેમજ કયારેક કયારેક વીજળીના કડાકા ભડાકા સાથે થંડર સ્ટ્રોમ ડેવલપ થવાની પણ શક્યતા છે. રાજ્યમાં હાલ સરેરાશ મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. જે આગામી તા. 10થી 15 મે બાદ વિવિધ વિસ્તારોના તાપમાનમાં વધારો થઇ શકે છે.  રાજ્યના ખેડૂતો પર હજુ 5 દિવસ સંકટના વાદળો ઘેરાયેલા છે. આગામી પાંચ દિવસ હજુ માવઠાની આગાહી કરવામાં આવી છે, એટલે કે 4 અને 5 એપ્રિલે પણ જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં પણ માવઠું પડવાની શક્યતા છે.