Site icon Revoi.in

E- KYC ન થયુ હોય તો પણ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ નહીં અટકે

Social Share

ગાંધીનગરઃ ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડિજીટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. પરંતુ આ શિષ્યવૃત્તિ મેળવવા સાત કોઠામાંથી પસાર થવું પડે છે. અને એટલીબધી માથાકૂટ કરવી પડે છે, કે તેથી વાલીઓ જ કંટાળી ગયા છે.  વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપ માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ઇ-કેવાયસી કરવું ફરજીયાત છે. પરંતુ સર્વરની સમસ્યાને કારણે ઇ-કેવાયસીમાં મુશ્કેલી પડતી હોવાથી સ્કોલરશિપની કામગીરી ગોકળગાયની ગતિએ થઇ રહીં છે. શિષ્યવૃત્તિ માટે નોંધણી કરાવવા વિદ્યાર્થીઓની કતારો લાગી ગઈ હતી. આ અંગે શૈક્ષણિક મહાસંઘે  પણ સરકારને રજુઆત કરી હતી. આથી શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે. કે, આ-કેવાયસી ન થયું હોય તો પણ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ નહીં અટકે, વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળી જશે.

ગુજરાતમાં શાળાઓના વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃતિ માટે ઈ-કેવાયસીને લીધે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ સમસ્યાને હલ કરવા માટે શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની વચ્ચે બેઠક યોજાયા પછી મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આ બેઠક પછી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે,ઇ-વાયસીને કારણે કોઇ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ અટકશે નહીં. ઉપરાંત ઇ-કેવાયસીની કામગીરી પણ ચાલશે. જો કે, ઇ-કેવાયસી વગર વિદ્યાર્થીઓની સ્કોલરશિપની અરજી જ સબમિટ ન થતી હોવાથી વિદ્યાર્થીઓ કંટાળ્યા હતા. ઇ-કેવાયસી કરવાની કામગીરી ગ્રામ પંચાયતમાં કામ કરતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને આપવામાં આવી હતી, પણ તેમણે આ કામગીરીનો બહિષ્કાર કરતા છેવટે આ કામગીરી શિક્ષકો પર થોપવામાં આવી છે. શિક્ષકો ઇ-કેવાયસીની કામગીરી કરી રહ્યા છે, પણ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવામાં સમય જાય છે. વળી,ઇ-કેવાયસી કરવા માટે ચાર વખત ઓટીપી વિદ્યાર્થીના વાલીના મોબાઇલ નંબર પર આવે છે એટલે વાલી પાસેથી ઓટીપી મેળવવામાં પણ સમય જાય છે. આવી સ્થિતિમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સ્કોલરશિપના ફોર્મ ભરવાની કામગીરીથી કંટાળી ગયા છે. જેની રજૂઆત રાજ્ય સરકાર સુધી કરવામાં આવી હતી.

રાજ્યના શિક્ષણ મંત્રીએ જણાવ્યુ હતું કે, ઇ-કેવાયસીની કામગીરી નહીં થઇ હોય તો પણ વિદ્યાર્થીને સ્કોલરશિપ મળશે,પણ ઇ-કેવાયસીની કામગીરી પાછળથી થઇ શકે છે. જો કે તકનીકી રીતે આ શક્ય નહીં હોવાથી શિષ્યવૃત્તિની કામગીરીમાં અંતરાય આવી શકે તેમ છે.