Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિએ વિધાનસભા ચૂંટણીને લીધે ભલે ટેક્સ ન વધાર્યો પણ યુઝર્સ ચાર્જમાં વધારો કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નહતો, હવે પાછલા બારણે સફીના નામે યુઝર્સ ચાર્જમાં તોતિંગ વધારો કરવામાં આવી રહ્યો છે. સફાઇના નામે નાગરિકો પર 281 કરોડનો બોજો નાખવાની દરખાસ્ત ફરીથી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થઇ છે. આ દરખાસ્તમાં રહેણાંક મિલકતો પાસેથી રોજના રૂ. 3 અને કોમર્શિયલ મિલકતો પાસેથી રોજના રૂ. 5 લેખે યુઝર ચાર્જ વસૂલવાની દરખાસ્ત કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અગાઉ રજૂ થયેલી આ દરખાસ્તને વિચારણા માટે મુલત્વી રાખ્યા બાદ આગામી ગુરુવારે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીમાં ફરીથી રજૂ કરવામાં આવી છે. જેમાં શહેરને સ્વચ્છતામાં નંબર 1 બનાવવા માટે શરતના ભાગરૂપે તમામ ચાર્જ નાગરિકો પાસેથી વસૂલવાની રજૂઆત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, તે માટે નાગરિકો પાસે રહેણાંકની મિલકતમાં રોજના રૂ. 3 અને કોમર્શિયલ મિલકતમાં રોજના રૂ. 5 લેખે વસૂલવાની દરખાસ્ત છે. તેને કારણે મ્યુનિ.ની આવકમાં 281 કરોડનો વધારો થવાની શક્યતા છે.

આ દરખાસ્તનો વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું છેકે, વર્ષ 2022-23ના અંદાજપત્રમાં કોઇપણ જાતનો વધારાનો વેરો નહીં આપવાની લોલીપોપ આપ્યા બાદ ફરીથી સ્ટેન્ડિંગ કમિટીમાં આ વધારો ઝીંકવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જો આ વધારો ઝિંકવામાં આવશે તો કોંગ્રેસ તેનો વિરોધ કરશે. દરમિયાન તોતિંગ વધારા સામે શહેરીજનોમાં પણ વિરોધ વધવાની શક્યતા છે. મ્યુનિના સત્તાધિશો વહિવટમાં કોઈ કરકસર કરતા નથી. કોર્પોરેટરોને મોબાઈલ ફોન લેપટોપની લહાણી કરવામાં ખર્ચ નડતો નથી. અધિકારીઓ દ્વારા પણ બીન જરૂરી ખર્ચ કરવામાં આવતો હોય છે. જ્યારે સફાઈના નામે 281 કરોડ ભેગા કરવા શહેરીજનો પર તોતિંગ યુઝર્સ ચાર્જ વસુલવામાં આવશે.