Site icon Revoi.in

પાસપોર્ટની અરજીમાં સામાન્ય ક્ષતિ હોય તો પણ નવી એપોઈન્ટમેન્ટ માટે લાંબી પ્રતિક્ષા કરવી પડે છે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પાસપોર્ટ માટે અનેક સેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. અને અરજદારોએ ઓનલાઈન અરજી કર્યા બાદ આપેલા સમયે જરૂરી દસ્તાવેજો લઈને સેવા કેન્દ્રો પર જવું પડે છે. ત્યારે પાસપોર્ટ મેળવવા માટે કરેલી અરજી ફોર્મમાં ભૂલથી સામાન્ય ક્ષતિ રહી ગઈ હોય તો ફરીવાર અરજી કરવાનું કહેવામાં આવે છે, અને તેના માટે એકથી દોઢ મહિના જેટલી લાંબી પ્રતિક્ષા કરવી પડતી હોવાની ફરિયાદો ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  નવા કે રિન્યૂ પાસપોર્ટ  માટે સંબંધિત ડોક્યૂમેન્ટ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અરજદાર દ્વારા સબમીટ કરવામાં આવતા હોય છે પણ ઘણા અરજદારોની એવી ફરિયાદો ઊઠી છે કે જો ડોક્યુમેન્ટ રહી જાય કે થોડી પણ ભૂલ હોય તો ફરીથી એપોઇન્ટમેન્ટ લેવાનું કહેવામાં આવે છે. જેમાં એકથી દોઢ મહિનાની રાહ જોવી પડે છે. બીજી તરફ પાસપોર્ટ કચેરીમાં સ્ટાફની અછતથી પેન્ડિંગ ફાઇલોનો ઝડપી નિકાલ થતો નથી અને નવી ફાઇલોનો ભરાવો થતો હોવાની પણ ફરિયાદો છે. પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પાસપોર્ટના જરૂરી ડોક્યુમેન્ટ લઇને સબમીટ કરે છે પણ ઘણી વખત ડોક્યૂમેન્ટ ખુટતું હોય કે કોઇ નામ કે અટકમાં સુધારો કરવાનો હોય તો ફાઇલ હોલ્ટ પર મૂકી એક સપ્તાહમાં નવી તારીખ અરજદારોને આપી દેવી જોઇએ, પરંતુ અધિકારીઓ અરજદારને સુધારી નવેસરથી એપોઇન્ટમેન્ટ લઇને આવવાનું જણાવે છે જેના કારણે અરજદારોને એક મહિના સુધી પરેશાની થાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ધારો કે બી નંબરના કાઉન્ટ પરથી અધિકારીને અરજદારના ડોક્યૂમેન્ટમાં ભૂલ જણાઇ હોય તો તે ડોક્યૂમેન્ટ સુધાર્યા બાદ તેને ફરીથી સીધું તે કાઉન્ટર પર જવાના બદલે નવેસરથી પ્રક્રિયા હાથ ધરવી પડે છે જેથી તેના સમયનો પણ વ્યય થાય છે. આ અંગે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસરે જણાવ્યુ હતું કે અમે હોલ્ટ પર ફાઇલ મૂકવાનો ક્વોટા વધારવા માટે વિદેશ મંત્રાલય પાસે મંજૂરી માંગી છે હાલમાં અમે પ્રતિદીન 80 ફાઇલો હોલ્ટ પર મૂકી શકીએ છીએ. અરજદારોએ પાસપોર્ટ માટે ઓનલાઈન ફોર્મ ભરતા સમયે બેવાર ચકાસણી કરીને સબમીટ કરવું જોઈએ.