Site icon Revoi.in

ગુજરાતમાં ટેક્સની આવક ભલે ગુમાવવી પડે પણ દારૂબંધી નહીં હટાવીએઃ નીતિન પટેલ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાજેતમાં જ  નિવેદન આપ્યું હતું કે, હિન્દુઓની બહુમતી નહીં હોય તો કાયદો હવામાં ઊડી જશે, તેમના આ નિવેદનની રાષ્ટ્રીય મીડિયામાં પણ નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરી હતી. હવે તેમણે દારૂબંધી પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દારૂબંધી માટે રાજ્યએ મોટી આવક જતી કરવી પડે તો પણ અમે જતી કરવા તૈયાર છીએ. જે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય છે ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે.

વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારુ બંધી માટે ટેક્ષની આવક ગુમાવવી પડે તો ગુમાવીશું, પરંતુ દારૂ પરનો પ્રતિબંધ નહીં હટાવીએ. ગુજરાત દારૂબંધીને વરેલું છે. રાજ્યનું ગૃહવિભાગ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન પ્રત્યે કડક વલણ અપનાવે છે. ગૃહ વિભાગની એક સિસ્ટમ છે કે જે-તે પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડાય તો ત્યાંના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવે છે. નીતિન પટેલની ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગણી તરફ સાધુ-સંતોનું ધ્યાન પણ ખેંચાયું હતું. આ અંગે કોંગ્રેસે પણ વિરોધની તલવાર તાણી છે અને રાજકીય ઘમાસાણ શરૂ થયું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે મીડિયામાં બની રહેવા માટે નીતિન પટેલ નિવેદનો કરી રહ્યા છે.