Site icon Revoi.in

લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાતમાં લગાવશે હેટ્રિક, 26માંથી જીતશે 26 સીટ

Social Share

નવી દિલ્હી: 100 દિવસ જેટલા સમયમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓને લઈને તાજો સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં ગુજરાતને લઈને ભાજપ માટે મોટી ખુશખબરી પણ સામે આવી છે. સર્વે મુજબ, ભાજપ ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર જીત નોંધાવશે. જો આમ થાય છે, તો ગુજરાતમાં ભાજપ લોકસભા ચૂંટણીઓમાં ક્લિનસ્વીપની હેટ્રિક લગાવી દેશે. આવો જાણીએ સર્વે મુજબ, લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને કેટલાક ટકા વોટ શેયર મળવાની સંભાવના છે.

ઈન્ડિયા ટુડે અને સી વોટરના સર્વેમાં ભાજપ ત્રીજી વખત ગુજરાતમાં ક્લિનસ્વીપ કરે તેવી શક્યતા છે. આ સર્વે મુજબ, ગુજરાતની 26 લોકસભા બેઠકોમાં ભાજપ તમામ બેઠકો પર જીતતું દેખાય રહ્યું છે. જો કે અનુમાન પ્રમાણે, ભાજપના વોટ શેયરમાં કોઈ પરિવર્તન જોવા નહીં મળે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 62 ટકા વોટ મળ્યા હતા. તાજેતરના સર્વેમાં પણ ભાજપને 62 ટકા વોટ મળતા દેખાય રહ્યા છે.

ગુજરાતમાં લોકસભા બેઠકોને લઈને આવેલા નવા સર્વેમાં ઈન્ડિયા ગઠબંધનના વોટમાં ઘટાડો થવાની સંભાવના છે. સર્વે મુજબ, 2024ની લોકસભાની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને 26 ટકા વોટ મળવાની સંભાવના છે. 2019માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનને 32 ટકા વોટ મળ્યા હતા.

1998થી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત છે. 1998માં થયેલી ચૂંટણીમાં ભાજપને ગુજરાતની 26માંથી 19 બેઠકો મળી હતી. તેના એક વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 20 બેઠકો મળી હતી. 2004માં ભાજપને 14 બેઠકો મળી હતી. જ્યારે 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાંથી 15 બેઠકો મળી હતી. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 26માંથી 26 લોકસભા બેઠકો મળી હતી.