રાજકોટઃ શહેરમાં માધાપર ચોકડીથી 150 ફુટ રિંગ રોડ પર ખાનગી બસો પર પ્રતિબંધ મુકાતા લકઝરી બસના સંચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ અંગે ટ્રાવેલ્સના સંચાલકોએ પોલીસ કમિશનરને રજુઆત કર્યા બાદ બપોરના સમયે 2થી સાંજના 5 દરમિયાન છુટ આપવામાં આવી છે. પણ ટ્રાવેલ્સ સંચાલકોને આ નિર્ણય માન્ય નથી. દિવસભર છૂટ આપવામાં આવે તેવી માગણી કરી છે.
રાજકોટના પોલીસ કમિશ્નર દ્વારા તાજેતરમાં જ શહેરમાં દોડતી 500 જેટલી અલગ-અલગ ટ્રાવેલ્સની બસોને 150 ફૂટ રિંગરોડ ઉપર ‘પ્રવેશબંધી’ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરાતી. આ અંગે ટ્રાવેલ્સનાં સંચાલકો દ્વારા પોલીસ કમિશ્નરથી લઈ ધારાસભ્ય અને સાંસદને પણ રજૂઆત કરી હતી. જેને લઈ પોલીસ કમિશ્નરે વચલો રસ્તો કાઢીને ટ્રાવેલ્સ બસોને બપોરે 2થી 5 વાગ્યા સુધી 150 ફૂટ રિંગરોડ પર પ્રવેશ માટેની છૂટ આપી છે. જો કે, ટ્રાવેલ્સ સંચાલકોને પોલીસ કમિશ્નરનો આ નિર્ણય પણ માન્ય નથી અને અગાઉની જેમ દિવસભર આ રોડ પર બસોને પ્રવેશ આપવાની માગ કરવામાં આવી છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરે ફેરફાર કરેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ, શહેરના માધાપરથી 150 ફૂટ રિંગરોડ ઉપર લકઝરી બસના જાહેરનામામાં સ્કૂલ-કોલેજ બસોને 24 કલાકની છૂટ આપવામાં આવી છે. આવી જ રીતે શહેરમાંથી કર્મચારીઓને બેસાડીને માધાપર ચોકડી, 150 ફૂટ રિંગરોડ થઈને પસાર થતી ઈન્ડસ્ટ્રીઝની બસોને પણ બપોરે 2થી 5 વાગ્યા સુધી માધાપર અને 150 ફૂટ રોડ ઉપર પ્રવેશ આપવામાં આવશે. સાથે જ શહેરમાં પ્રવેશ કરતી લકઝરી બસોને પણ બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
આ અંગે ટ્રાવેલ્સ એસોસિએશનનાં પ્રમુખ દશરથસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આ જાહેરનામામાં ફેરફારથી ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ નથી. મોટાભાગે 2થી 5 વાગ્યા દરમિયાન બસો આવતી જ નથી. એટલે ફેરફારનો કોઈ મતલબ નથી. બપોરે 2થી 5 વાગ્યામાં રાજકોટમાં પેસેન્જર તો ઠીક શ્વાનો પણ સૂતા હોય છે. ત્યારે પહેલાની જેમ જ છુટછાટ આપવામાં આવે તે માગ યથાવત છે. આ માટે જરૂર પડ્યે ગાંધીનગર સુધી રજૂઆત કરીશું. જો આમ છતાં પણ માગ નહીં સ્વીકારાય તો હાઇકોર્ટમાં જવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં દરરોજ 500 જેટલી લકઝરી બસોની અવરજવર થતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં મુસાફરો રાજકોટમાં આવે છે. જેઓ રાજકોટથી બેસી અન્ય શહેરોમાં જતા હોય છે. બીજી બાજુ પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને બસોને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવતાં તેના ઘેરા પડઘા પણ પડ્યા હતા. ટ્રાવેલ્સ સંચાલકોએ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપરાંત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને મળીને પણ જાહેરનામું રદ્દ કરવા સુધીની રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને પોલીસ કમિશ્નરે જાહેરનામું સંપૂર્ણપણે રદ્દ કરવાની જગ્યાએ વચલો રસ્તો કાઢ્યો છે. પરંતુ આ રસ્તો પણ ટ્રાવેલ્સ સંચાલકોએ નકારી દેતા આવનારા સમયમાં આ મુદ્દે વિરોધ થવાની પૂરતી સંભાવના છે.