મિત્ર દેશો પણ પાકિસ્તાનને કટોરો લઈને ફરતા ભીખારી દેશ તરીકે જોવે છેઃ શહબાઝ શરીફ
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. તેમજ પૂરને કારણે હાલ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. આર્થિક મુશ્કેલીમાંથી નીકળી રહેલા પાકિસ્તાનને અગાઉ ચીન સહિત દુનિયાના અનેક દેશોએ આર્થિક મદદ કરી છે. દરમિયાન વડાપ્રધાન શહબાઝ શરીફે મિત્ર દેશ પણ પાકિસ્તાનને પૈસાની ભીખ માંગતા દેશ તરીકે ઓળખતા હોવાનું ચોંકાવનારુ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, મિત્ર દેશો પણ હવે પાકિસ્તાનને એવા દેશ તરીકે જોવે જે સતત પૈસા માટે ભીખ માંગતા હોય છે.
પાકિસ્તાનના જાણીતા ન્યૂઝ પેપર ડોનના રિપોર્ટ અનુસાર વડાપ્રધાન વકીલોના એક સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા અને સંમેલનને સંબોધન કર્યું હતું. જેમાં કહ્યું કે, આજે જ્યારે અમે કોઈ મિત્ર દેશ પાસે જઈ છે તથા ફોન કરીએ છીએ તો તેઓ વિચારે છે કે અમે પૈસા માંગવા માટે આવ્યાં છીએ.
નાની અર્થવ્યવસ્થાઓ પણ પાકિસ્તાનથી આગળ નીકળી ગયા છે અને છેલ્લા 75 વર્ષથી આપણે કટોરો લઈને ભટકીએ છીએ. પહેલાથી જ દેશની અર્થવ્યવસ્થા એક પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે હવે પૂરને કારણે આ મુશ્કેલીઓ વધી છે, રોકડની અછતથી લડતો આપણો દેશ છેલ્લા 30 વર્ષથી પૂરની પરિસ્થિતિનો સામનો કરતો આવ્યો છે.
ચાલુ વર્ષે જૂન મહિનાથી પૂરમાં અત્યાર સુધીમાં 1400થી વધારે લોકોના મોત થયાં છે જ્યારે 3.3 કરોડ લોકો પ્રભાવિત થયાં છે. સાતમાંથી એક વ્યક્તિ પૂરથી પ્રભાવિત છે. લગભગ 78000 વર્ગ કિલોમીટરમાં પાક પૂરમાં ડુબી ગયો છે અને લગભગ 12 અરબ ડોલરનું નુકશાન થયાનો અંદાજ છે.