અમદાવાદઃ દેશમાં નોટબંધી પછી નકલી નોટો બજારમાં સતત વધી રહી છે. વર્ષ 2016થી વર્ષ 2020 એટલે કે પાંચ વર્ષમાં ગુજરાતમાં સાડા બાર કરોડની રૂ. 2000/-, રૂ. 100/- અને રૂ. 200/-ની નકલી નોટો પકડાઈ જે ગંભીર અને ચિંતાનો વિષય છતાં ભાજપા સરકાર મૌન છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 2000ની 11,42, 08000 ના મૂલ્યની નોટો પકડાઈ હતી. રૂ. 500ની 74,88,500ના મૂલ્યની નોટો પકડાઈ છે જ્યારે રૂ. 200ની 7,76,800 ના મૂલ્યની નોટો પકડાઈ છે. આમ કુલ 12,24,23,300 ના મૂલ્યની નકલી નોટો નોટબંધી બાદ પકડાઈ છે. જે સમગ્ર દેશમાં સર્વાધિક નકલી નોટો પકડાઈ તેવુ ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. દેશમાં નોટબંધી પછી નકલી નોટો જે બેંકિગ પ્રણાલીમાં પકડાયેલ નકલી નોટોનું મૂલ્ય 95,14,24,975 જેટલું અધધ થાય છે જે દેશ સામે સૌથી મોટો પડકાર છે દેશમાં નોટબંધી વખતે કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે, “નકલી નોટોના કારોબાર પર રોક લાગશે”, “મોટી રકમ નોટોથી નકલી નોટો / કાલાધન પર રોક લાગશે” તેવી મોટી મોટી જાહેરાત પણ હકીકત સદંતર ઉલટી છે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 2000/- ની પકડાયેલી નકલી નોટોનો પ્રમાણ 107 ગણાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાંથી સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ છે. નકલી નોટોનો કારોબાર કોના આર્શીવાદથી ?
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં નકલી નોટોનો કારોબાર થાય, નકલી ઈન્જેક્શન, નકલી વેન્ટીલેટર, નકલી દવા, નકલી બિયારણ, નકલી ડીગ્રી, નકલી માર્કસીટ, નકલી દારૂ, ડ્રગ્સ વારંવાર ઠલવાય છતાં સબ સલામતની ગુલબાંગો ફેકતી ભાજપના ગૃહવિભાગની સિધ્ધી છે. ગુજરાત નકલી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમક્રમાંકે કેમ ? ગુજરાતમાં કરોડો રૂપિયાનો રોજ દારૂ ઠલવાય, ઝેરી દારૂનું ઉત્પાદન થાય, ગુજરાતમાં મોટા પાયે ઘુસતા ડ્રગ્સ અને સ્થાનિક ફેક્ટરીઓમાં ઉત્પાદિત ડ્રગ્સથી લાખો યુવાનો વ્યસનના આગમાં ધકેલાઈ રહ્યાં છે. તેના માટે જવાબદાર ભાજપ સરકારે ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ.