ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયાને 20થી વધુ દહાડા વિતી ગયા હોવા છતાં હજુ શિક્ષકોની ઘટ પુરવામાં આવી નથી. તેથી બાળકોના ભણતર પર માઠી અસર પડી રહી છે. આથી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત દૂર કરવા પ્રવાસી શિક્ષકોની સત્વરે નિમણૂંક કરવાની માગ ઊઠી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રીને પત્ર લખી પ્રવાસી શિક્ષક ફાળવવા માગ કરી છે. સત્ર શરુ થયા અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ શિક્ષક ના ફળવતા બીજી વખત રજુઆત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યનગર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મનોજ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે. કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પૂરતા શિક્ષક ના હોવાથી બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. બદલી કેમ્પના તબક્કા પૂર્ણ થયા બાદ પણ ખાલી જગ્યા પર કાયમી ભરતી કરવા સિવાયની બાકીની જગ્યાઓ પર પ્રવાસી શિક્ષક ફાળવવા જોઈએ. RTE એક્ટ મુજબ ખંડ સમયના શિક્ષકો તથા શિક્ષક સહાયક પુરા કરવાની જોગવાઈ છે. જોગવાઈ મુજબ ભરતી કરવામાં આવે તો શિક્ષક મળી રહે અને શિક્ષણકાર્ય સરળતાથી થઈ શકે. સંઘના મહામંત્રીએ કહ્યું હતું કે, ગત વર્ષે પણ પૂરતા પ્રમાણમાં પ્રવાસી શિક્ષકો નહોતા મળ્યા. આ વર્ષે ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં ભણવા આવેલા બાળકોની સંખ્યા વધારે છે તો સ્કૂલોને તાત્કાલિક શિક્ષક ફાળવવા જોઈએ. સત્ર શરૂ થયા અગાઉ જ રજુઆત કરી હતી પરંતુ શિક્ષકો ના ફળવતા ફરીથી રજુઆત કરીએ છીએ.
AMC સ્કૂલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત વર્ષે પ્રવાસી શિક્ષક ફાળવવામાં આવ્યા હતા. આ વર્ષે 175 પ્રવાસી શિક્ષક ફાળવવામાં આવ્યા છે. હજુ પ્રવાસી શિક્ષક ફાળવવાની કામગીરીની પ્રક્રિયા ચાલી રહી છે જે પૂર્ણ થતાં સ્કૂલોને બીજા પ્રવાસી શિક્ષક મળશે.