અમદાવાદઃ શિયાળાની ઋતુનો કારતક મહિનો પૂર્ણ થઈને માગસર મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ હજુ કડકડતી ઠંડી અનુભવાતી નથી. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. પણ અમદાવાદ સહિત મહાનગરોમાં બપોરે સામાન્ય ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી અમ બે ઋતુ અનુભવાઈ રહી છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે. કે, શનિવારથી રાજ્યભરમાં ઠંડીમાં ક્રમશઃ વધરારો થશે.ઉત્તર-પૂર્વિય તરફથી ફુંકાતા પવનોને લીધે ઠંડીમાં વધારો થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના વાતાવરણમાં સતત પલટો આવ્યો હતો. જેના કારણે ડિસેમ્બર મહિનો શરૂ થયો હોવા છતાં જોઈએ તેવી ઠંડી પડી નથી. ત્યારે સમગ્ર રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યાં છે. હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ વિખેરાઈ ગઈ છે. જેના કારણે ઠંડી ધીમે ધીમે જમાવટ કરી રહી છે. લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લાં બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન શરૂ થયા છે, છતાં તાપમાનમાં મોટો ફેરફાર ન થતાં લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. જોકે આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી ગગડીને 29.6 ડિગ્રી અને લઘુતમ 4 ડિગ્રી વધીને 17.7 ડિગ્રી નોંધાયુ હતું. મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવા છતાં લઘુતમ તાપમાન ન ઘટતાં લોકોએ દિવસમાં ડબલ સિઝનનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં 12.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું.રાજ્યના વિવિધ શહેરોમાં હજી પણ મહતમ તાપમાન 30 ડિગ્રી રહેતાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુને કારણે લોકો વાયરલ ઈન્ફેક્શન સહિતના રોગોના શિકાર બની રહ્યાં છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી મોટાભાગના શહેરના લઘુતમ અને મહતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેના કારણે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી બે દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
ભાવનગર શહેરમાં ઉત્તરના પવનોનું જોર વધતાં આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે. આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 29.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતું તે આજે ઘટીને 28.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે રાત્રિનું ઉષ્ણતામાન 18.5 ડિગ્રી સેન્ટીગ્રેડે યથાવત રહ્યું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 60 ટકા નોંધાયેલું તે આજે વધીને 69 ટકા થઇ ગયું હતુ.શહેરમાં પવનની ઝડપ વધીને 8 કિલોમીટર થઇ ગઇ હતી. જૂનાગઢ શહેરમાં હજુ પણ લઘુત્તમ તાપમાનનો પારો 21 ડિગ્રીને પાર રહેતો હોય શિયાળાની ઋતુની અનુભૂતિ થતી નથી. જોકે,12 ડિસેમ્બર થછી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીની અસર જણાશે.