મહારાષ્ટ્ર જતી બસનાં ભાડાંમાં 17 ટકા સુધીનો વધારો પણ, ગુજરાતમાં વધારે ભાડું નહીં ચૂકવવું પડે
અમદાવાદઃ ડીઝલના ભાવમાં તેતિંગ વધારા બાદ મહારાષ્ટ્ર એસટી નિગમે બસના ભાડાંમાં 17 ટકાનો વધારો કર્યો છે. જોકે, ગુજરાત એસટી નિગમે બસ ભાડામાં વધારો કર્યો નથી. એટલે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં એસટી ભાડા ઓછા છે. મહારાષ્ટ્રની એસટી બસો ગુજરાતના શહેરો સાથે કનેક્ટેડ છે, એટલે વલસાડ, વડોદરા, અમદાવાદ, સુરત સહિતના શહેરો સાથે મુંબઈ, જલગાંવ સહિતના શહેરો સુધીની મહારાષ્ટ્રની એસટી નિગમની બસો દોડી રહી છે. મહારાષ્ટ્ર એસટી નિગમે તેના રાજ્યમાં દોડતી એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. પણ તે ગુજરાતમાં પ્રવેશ કરશે એટલે 17 ટકા વધુ ભાડુ નહીં પણ રેગ્યુલર ભાડુ જ વસુલાશે. કારણ કે, જો 17 ટકા વધુ ભાડુ વસુલવામાં આવે તો ગુજરાતમાં જ એક શહેરમાંથી બીજા શહેરમાં જતાં મુસાફરોનો ટ્રાફિક મળે નહીં તે માટે ગુજરાતમાં ફરતી મહારાષ્ટ્ર નિગમની એસટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસે તમામ બસોના ભાડામાં 17 ટકાનો વધારો કરતા ગુજરાતના શહેરોમાંથી મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં જતા બસના મુસાફરો પર આર્થિક ભારણ વધશે. જો કે પેસેન્જરો પાસેથી એસટી નિગમ મહારાષ્ટ્રની હદમાં થતા બસ સંચાલન પેટે વધુ ભાડું વસૂલ કરશે જ્યારે ગુજરાતની હદમાં રેગ્યુલર ભાડું જ વસૂલ કરાશે. અમદાવાદથી મહારાષ્ટ્રના શહેરોમાં જતી બસમાં રૂ.10થી 50 સુધીનું વધુ ભાડું ચુકવવું પડશે. મહારાષ્ટ્ર માટે અમદાવાદ, પાલનપુર, જામનગર, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત સહિત અન્ય શહેરોમાંથી એક્સપ્રેસ-વોલ્વો બસ દોડે છે. કોરોના બાદથી પ્રીમિયમ વોલ્વો બસોનું સંચાલન બંધ છે અને ફક્ત એક્સપ્રેસ બસ જ દોડી રહી છે.