શ્રીનગર:પૂર્વી લદ્દાખમાં ગોગરા-હોટસ્પ્રિંગ્સ વિસ્તારમાં પેટ્રોલ આઉટપોસ્ટ-15 (PP-15)ના તનાવવાળા વિસ્તારમાંથી ભારત અને ચીને તેમના ફ્રન્ટલાઈન સૈનિકોને પાછળના ભાગમાં મોકલ્યા છે.આ સાથે ત્યાંના કામચલાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ તોડી પાડવામાં આવ્યું છે.સૈનિકોને પાછા ખેંચવાની પાંચ દિવસની પ્રક્રિયાના ભાગરૂપે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.
સૂત્રોનું માનીએ તો, બંને પક્ષોએ યોજના મુજબ પીછેહઠ કરી છે.પીછેહઠ અને ચકાસણી પ્રક્રિયા અંગે સ્થાનિક કમાન્ડર પાસેથી સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે.જો કે, ડેમચોક અને ડેપસાંગ વિસ્તારોમાં મડાગાંઠ ઉકેલવામાં હજુ સુધી કોઈ પ્રગતિ થઈ નથી.
અગાઉ 8 સપ્ટેમ્બરના રોજ, ભારત અને ચીનની સેનાઓએ જાહેરાત કરી હતી કે,તેઓ આ ક્ષેત્રમાં સ્ટેન્ડઓફ બિંદુઓથી સૈનિકોને હટાવવાની અટકેલી પ્રક્રિયા સાથે આગળ વધવા માટે સંમત થયા છે.ત્યારથી પીપી-15માંથી સૈનિકોને હટાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વાર્ષિક શિખર સંમેલન પહેલા દળોને પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજરી આપશે.