Site icon Revoi.in

એવરેસ્ટ અને એમડીએચ મસાલા પર હવે નેપાળે પણ મુક્યો પ્રતિબંધ, મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની તપાસ થશે

Social Share

સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે પણ બે ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHના વેચાણ- વપરાશ અને આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ હોવાની આશંકા વચ્ચે આ નિર્ણય લીધો છે. આ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની તપાસ શરૂ કરવામાં આવી છે.

નેપાળના ફૂડ ટેક્નોલોજી વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું કે, એવરેસ્ટ અને MDH બ્રાન્ડના મસાલાની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમે બજારમાં આ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ મસાલામાં હાનિકારક કેમિકલ હોવાના સમાચાર મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ બંને બ્રાન્ડના મસાલામાં ખતરનાક કેમિકલની તપાસ ચાલી રહી છે. તેનો તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.

મહત્વપૂર્ણ છે કે MDH અને એવરેસ્ટના નામ દાયકાઓથી ઘર-પરિવારનો હિસ્સો બની ગયા છે. આ બ્રાન્ડ્સના મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. MDH અને એવરેસ્ટ મસાલાની તપાસ બ્રિટન, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ શરૂ થઈ શકે છે. કડક પગલાં લેતા બ્રિટનની ફૂડ સેફ્ટી એજન્સી (FSA) એ કહ્યું છે કે, તે ભારતમાંથી આવતા તમામ મસાલા પર ઝેરી જંતુનાશકોનું પરીક્ષણ કડક કરી રહ્યું છે જેમાં ઇથિલિન ઓક્સાઈડ પણ સામેલ છે.

ન્યુઝીલેન્ડના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટના કાર્યવાહક ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જેન્ની બિશપે જણાવ્યું હતું કે, ઇથિલિન ઓક્સાઇડ એક રસાયણ છે, જે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. MDH અને એવરેસ્ટ મસાલા ન્યુઝીલેન્ડના બજારોમાં પણ વેચાય છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.

કેટલું જોખમી છે ઇથિલિન ઓકસાઇડ ?

ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) એ ઇથિલિન ઓક્સાઇડને ‘ગ્રુપ-1 કાર્સિનોજેન’ની શ્રેણીમાં મૂક્યું છે. આનો અર્થ એ છે કે પુરતા પુરાવા છે કે, તે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. જે લોકો સતત આ રસાયણના સંપર્કમાં આવે છે અથવા તેનું સેવન કરે છે તેઓ આંખો, ત્વચા, નાક, ગળા અને ફેફસામાં બળતરા પેદા કરી શકે છે. તે મગજ અને નર્વસ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે.