શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે વાર્ષિક અમરનાથ યાત્રાની ઔપચારિક શરૂઆત કરવા માટે ‘પ્રથમ પૂજા’ કરી હતી.
ટ્વિટર પરની તેમની પોસ્ટમાં, લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું હતું કે, “આજે વાર્ષિક શ્રી અમરનાથજી યાત્રાની ઔપચારિક શરૂઆત માટે ‘પ્રથમ પૂજા’ કરી. બાબા અમરનાથજીના આશીર્વાદ લીધા અને તમામ લોકોના સારા સ્વાસ્થ્ય, પ્રગતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. અમે શ્રદ્ધાળુઓ માટે એકંદર મુસાફરીના અનુભવમાં ગુણાત્મક સુધારો લાવ્યા છીએ, અને આવશ્યક સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ વર્ષે આ યાત્રા 29 જૂનથી શરૂ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધિકારીઓ અને સંબંધિત વિભાગો શ્રદ્ધાળુઓને વધુ સારી સુવિધાઓ અને સેવાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે, “જમ્મુ અને કાશ્મીરની પ્રાચીન પરંપરા રહી છે કે આ યાત્રામાં તમામ સમુદાયના લોકો ભાગ લે છે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય. હું તમામ પ્રબુદ્ધ નાગરિકોને વિનંતી કરું છું કે, તેઓ દેશના વિવિધ ભાગો અને વિદેશથી આવતા યાત્રાળુઓને આવકારવા અને તેમની સેવા કરવા માટે સાથે આવે.”